શેરબજાર ચાર દિવસની આગેકૂચ બાદ અથડાઈ ગયું
નિલેશ વાઘેલા
મુંબઇ: વિશ્વ બજારના નકારાત્મક સંકેત વચ્ચે સ્થાનિક શેરબજાર નીરસ માહોલમાં નેગેટિવ અને પોઝિટિવ ઝોનમાં અટવાઈ ગયું છે. સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ બંને અનિર્ણિત દિશામાં છે, કારણ કે ચાર દિવસના બેક-ટુ-બેક ઉછાળા પછી આખલા એ પોરો ખાધો છે.
કોટક બેન્કના શેરમાં કડાકાએ સેન્ટિમેન્ટ ખોરવ્યું હોવાથી બેન્ચમાર્ક સૂચકાંકોને વધુ ધક્કો લાગ્યો છે અને ગબડવા માટે કારણ મળ્યું છે. રિઝર્વ બેન્કના અનેક પ્રતિબંધના આદેશને કારણે વેચવાલી વધતા કોટક બેંકનના શેરમાં 10% સુધી કડાકો બોલાયો હતો.
આ દરમિયાન, નોંધવા જેવી બાબત એ છે કે, વ્યાપક બજાર સૂચકાંકોએ ઊંચા મથાળે વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે.
પાછલા કેટલાક સત્રથી સ્મોલ અને મિડકેપ શેરોમાં રોકાણકારોનું આકર્ષણ વધતું દેખાય રહ્યું છે. આજના સત્રમાં નિફ્ટી મીડિયા અને નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ લીડ ગેનર હતા. Q4 પરિણામો પછી HULના શેરમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
બજારના નિષ્ણાતો અનુસાર નકારાત્મક ટ્રિગર્સ હોવા છતાં આ બજારના વલણમાં તેજી છે. યુ.એસ.માં વધતી જતી બોન્ડ યીલ્ડ (10-વર્ષ 4.6% થી ઉપર ચાલુ છે) અને ભૌગોલિક રાજકીય તણાવ બજાર પર જરાય અસર કરી રહ્યા નથી. છેલ્લા સાત દિવસમાં FIIએ રૂ. 25853 કરોડની જંગી ઇક્વિટી વેચી છે. પરંતુ DIIની ખરીદીએ FIIની આ વેચવાલી કરતા વધુ લેવાલી કરી હોવાથી બજારે તેની ઊર્ધ્વગતિ ચાલુ રાખી.
એવા અહેવાલો છે કે ઇઝરાયેલ હિઝબોલ્લા સાથે જોડાયેલી કેટલીક સાઇટ્સ પર હુમલો કર્યો છે, પરંતુ બજાર દ્વારા આને અવગણવામાં આવશે સિવાય કે તે ગંભીર તણાવનું કારણ બને.