ડ્રીમ-૧૧ પર દોઢ કરોડની લોટરી જીતનારા પુણેના એસપીને સસ્પેન્ડ કરાયા
પિંપરી: પિંપરી ચિંચવડના કરોડપતિ કોપ સોમનાથ ઝેંડેને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિફોર્મને અણછાજતી હરકત કરી હોવાનો આક્ષેપ ઝેંડે પર કરવામાં આવ્યો છે, પરંતુ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી દરમિયાન તેમને પોતાનો પક્ષ માંડવાનો અધિકાર આપવામાં આવશે, એવી માહિતી પુણે પોલીસના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
હાલમાં ચાલી રહેલાં ક્રિકેટ વર્લ્ડકપનો ફીવર દેશવાસીઓ પર છવાયેલો છે અને આ જ મેચ દરમિયાન સોમનાથ ઝેંડે ડ્રીમ-૧૧ ઓનલાઈન બેટિંગ એપ પર પોતાની ટીમ બનાવીને સટ્ટો ખેલ્યો હતો. ઝેંડેની ટીમ જિતી ગઈ હતી અને માત્ર આઠ કલાકમાં જ ઝેંડે કરોડપતિ થઈ ગયા હતા. દોઢ કરોડ રૂપિયાની લોટરી લાગતા ઝેંડે અને તેમના પરિવારના સભ્યોની ખુશીનો કોઈ પાર નહોતો. આ જ ઉત્સાહમાં આવીને ઝેંડેએ યુનિફોર્મ પહેરીને મીડિયા સાથે વાત પણ કરી હતી અને તેમની આ જ ભૂલને કારણે તેઓ ફસાઈ ગયા હતા.
દરમિયાન સોમનાથે ફરજ બજાવતી વખતે બેદરકારી, સિવિલ સર્વિસ કંડક્ટના નિયમોનું ઉલ્લંઘન અને યુનિફોર્મ પહેરીને મીડિયા સાથે વાત કરીને જુગારને પ્રોત્સાહન આપવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પિંપરી ચિંચવડ પોલીસ દ્વારા તેમની ઈન્કવાયરી કરવામાં આવી હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દરમિયાન ઝેંડેએ વર્દીની ગરિમાને ઠેસ પહોંચાડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હવે ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરી હાથ ધરવામાં આવશે એ સમયે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે, એવી માહિતી પુણેના એસીપી સતિષ માનેએ આપી હતી.
મોબાઈલ ફોન પર ગેમ રમીને પિંપરી ચિંપવડના સબ પોલીસ ઈન્સ્ટપેક્ટર સોમનાથ ઝેંડે એક જ રાતમાં ડ્રીમ-૧૧માં દોઢ કરોડની રકમ જ જિતી ગયા હતા. પરંતુ હવે ઝેંડેની આ જીત જ તેમના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. પોલીસી છબિ મલિન કરવાનો આક્ષેપ મૂકીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સોમનાથ ઝેંડે પિપરી ચિંચવડ કમિશન ઓફિસમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં વર્લ્ડકપની મેચ ચાલી રહી છે અને તેમાં એમણે બાંગલાદેશ વર્સીસ ઈંગ્લેન્ડની મેચ દરમિયાન આ જુગાર ખેલ્યો હતો. લોટરી જિતવાને કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા હતા અને ત્યાર બાદ વરિષ્ઠ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઝેંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.