(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયન સ્ટેશન પર આવેલા રોડ ઓવર બ્રિજ (આરઓબી)નું ડિમોલીશન હાલ પૂરતું ટળ્યું છે. શનિવારથી આ પુલ વાહનવ્યવહાર માટે બંધ કરીને તેને તોડી પાડવાનું કામ ચાલુ કરવામાં આવવાનું હતું. જોકે સ્થાનિક સાંસદે રેલવે અને મુંબઈ મહાનગરપાલિકાના અધિકાકરીઓ સાથે શનિવારે એક મહત્ત્વની બેઠક યોજી હતી અને તાત્પૂરતા સમય માટે આરઓબીને બંધ કરવાનું અને તોડી પાડવાનું કામ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી હાલ પૂરતો આ પુલ વાહનવ્યવહાર માટે ચાલુ રહેવાનો છે.
મધ્ય રેલવેના સાયન રેલવે સ્ટેશન પર પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા મહત્ત્વના આરઓબીને શનિવારથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવવાનો હતો. તે પ્રમાણે ટ્રાફિક પોલીસ અને પાલિકાએ તૈયારીઓ પણ કરી હતી. જોકે શનિવારે સ્થાનિક સાંસદ રાહુલ શેવાળેએ મધ્ય રેલવે, મુંબઈ મહાનગરપાલિકા એફ (ઉત્તર), જી-ઉત્તર વોર્ડ, રોડ અને ટ્રાફિક વિભાગ, પુલ વિભાગ તેમ જ ટ્રાફિક પોલીસ તેમ જ ધારાવીના સ્થાનિક પદાધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. બેઠકમાં ચર્ચા બાદ હાલ પૂરતો આરઓબી તોડી પાડવાનું મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહુલ શેવાળેએ કહ્યું હતું કે વિકાસ કામ સામે અમારો કોઈ વાંધો નથી. પરંતુ સ્થાનિકો નાગરિકોને વિશ્ર્વાસમાં લઈને નિર્ણય લેવો જોઈતો હતો.