શિવસેના-એનસીપીમાં પડેલી ફૂટ પ્રકરણે સુપ્રીમ કોર્ટે સ્પીકરનો કાન આમળી સોમવાર સુધી નિર્ણય લેવા કહ્યું
મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં પડેલી ફૂટના મામલે હાલ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. શિવસેના પ્રકરણમાં તો ચાર મહિના પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ સ્પીકરને આપવામાં આવ્યો હતો. તેમ છતાંય કોઈ કાર્યવાહી ન થતા મહિના પહેલા ફરી એકવાર અદાલતે તાબડતોબ કાર્યવાહી કરવા સ્પીકરને નિર્દેશ આપ્યો હતો. તો પણ રાહુલ નાર્વેકરે યોગ્ય પગલાં ન ભરતા આજે અદાલત સમક્ષ થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે સુનાવણીમાં વિલંબ કરવા બદલ સ્પીકરનો કાન આમળ્યો હતો.
શ્રી ચંદ્રચૂડે જણાવ્યું કે ‘કોઈએ વિધાનસભા અધ્યક્ષને જઈને કહેવું જોઈએ કે તેઓ સર્વોચ્ચ અદાલતના આદેશની અવગણના ન કરી શકે. સુનાવણીના કયા સમયપત્રકની વાત તેઓ અદાલતને સમજાવી રહ્યા છે? સમયની આડમાં સુનાવણીમાં ઢીલ ન મૂકી શકાય.’
ચીફ જસ્ટિસ વઘુમાં જણાવ્યું હતું કે ‘વિધાનસભા અધ્યક્ષ જો સોમવાર સુધીમાં સમયપત્રક જાહેર નહીં કરે તો અમે સમયપત્રક નક્કી કરી આપીશું, કારણ કે અમારા આદેશનું પાલન નથી થઈ રહ્યું. મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે નિર્ણય લેવાઈ જવો જોઇએ.’