આમચી મુંબઈ

ભાજપની બીજી યાદી૮ માર્ચે જાહેર થવાની શક્યતા

ભાજપનું ૩૦ બેઠક પર ચૂંટણી લડવાનું ધ્યેય: પણ સાથી પક્ષો માનશે?

મુંબઈ: મહારાષ્ટ્રના સૌથી મોટા પક્ષોમાંના બે પક્ષો શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના બે ફાંટા પાડીને શિંદે જૂથ અને અજિત પવાર જૂથ ભાજપ સાથે જોડાયા અને મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક પલટો દેખાયો હતો. જોકે, હવે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી આ ત્રણેય પક્ષના દિગ્ગજ નેતાઓમાંથી કોને લોકસભાની ઉમેદવારી અપાય છે અને કોનું પત્તું કપાય છે, તે મોટો પ્રશ્ર્ન બનશે. બેઠકોની ફાળવણી મુદ્દે મહારાષ્ટ્રમાં મડાગાંઠ હોવાના કારણે જ લોકસભાની જાહેર કરાયેલી ભાજપની પહેલી યાદીમાં મહારાષ્ટ્રના ઉમેદવારોને બાકાત રખાયું હોવાની પણ ચર્ચા છે. જોકે, ભાજપ આઠમી માર્ચે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એટલે કે મહારાષ્ટ્રમાં મહાયુતિના ત્રણેય મુખ્ય પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી બાબતે અંતિમ ચર્ચા શરૂ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

૩૦ બેઠકો ઉપરથી ભાજપ રણશિંગુ ફૂંકશે
મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકોમાંથી ભાજપના ફાળે સૌથી વધુ બેઠકો આવશે એ વાત તો સ્પષ્ટ છે. હવે જાણકારી મળી રહી છે કે ભાજપ ૪૮માંથી ૩૦ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખશે. બાકીની ૧૮ બેઠકો શિંદે જૂથ અને અજિત પવારના ઉમેદવારોને આપવામાં આવશે. હવે તે બંનેમાંથી ક્યા પક્ષને કેટલી બેઠકો આપવામાં આવે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, દસ બેઠકો શિંદે જૂથને અને આઠ બેઠકો અજિત પવાર જૂથને ફાળવાય, તેવી શક્યતા છે.

મહાયુતિને કઇ સાલમાં કેટલી બેઠકો મળેલી? (એકજૂથ શિવસેના-ભાજપ)
૨૦૧૯ – ૪૧
૨૦૧૪ – ૪૧
૨૦૦૯ – ૨૦
૨૦૦૪ – ૨૫

૧૯૯૯ – ૨૮

છઠ્ઠી માર્ચે થનારી બેઠક ઉપર નજર

ભાજપને ત્રીસ બેઠક, શિંદે જૂથને દસ બેઠક અને અજિત પવાર જૂથને આઠ બેઠક મળશે તેવી માહિતી છે. જોકે, આ વિશે અંતિમ ફેંસલો છઠ્ઠી માર્ચે યોજાનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાશે. એટલે આ બેઠકમાં શું ચર્ચા થાય છે, તેના ઉપર બધાની નજર છે.

પહેલી વખત ભાજપ ઐતિહાસિક બાજી રમશે
ભાજપ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ક્યારેય ત્રીસ બેઠકો ઉપર ચૂંટણી લડી નથી. મહારાષ્ટ્રના રાજકારણના ઇતિહાસમાં પહેલી જ વખત ભાજપ આટલી બધી બેઠકો ઉપરથી પોતાના ઉમેદવાર ઊભા રાખશે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ છવ્વીસ બેઠકો ઉપરથી લોકસભાની ચૂંટણી લડી હતી અને તેમાંથી ત્રેવીસ બેઠકો ઉપર ભાજપને વિજય મેળવ્યો હતો. આ વખતે શિંદે અને અજિત પવાર જૂથ સાથે મળીને મહારાષ્ટ્રની ૪૫ બેઠકો ઉપર જીત મેળવવાનું ભાજપનું લક્ષ્ય છે. ૨૦૧૯ની ચૂંટણીમાં એકજૂથ શિવસેના સાથે ચૂંટણી લડતા ભાજપે કુલ ૪૧ બેઠકો જીતી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત