રાજ્ય સરકારના એ નિર્ણયના વિરોધમાં School Bus Driverની આંદોલનની ચિમકી…

મુંબઈઃ મુંબઈ અને થાણેના હજારો વિદ્યાર્થીઓ સ્કુલબસમાં બેસીને શાળાએ પહોંચે છે. એકલા મુંબઈની જ વાત કરીએ તો ગ્રાન્ટ મેળવતી, ખાનગી શાળાઓના આશરે 80 ટકા બાળકો પ્રાઈવેટ બસ, વેન કે રિક્ષામાં બેસીને શાળાએ જાય છે, પણ હવે સ્કુલ બસ સંગઠન દ્વારા રાજ્ય સરકારના એક નિર્ણયના વિરોધમાં હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સ્કુલ ટાઈમિંગ બાબતે એક નિર્ણય લીધો છે અને આ નિર્ણય અનુસાર રાજ્યની તમામ શાળાના પાંચમા ધોરણ સુધીના બાળકોના વર્ગ સવારે નવ વાગ્યા પછી લેવાની ભલામણ કરવામાં આવી છે.
આવો નિર્ણય લેવા પાછળના કારણ વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ રાતે મોડેથી ઉંઘે છે અને એને કારણે સવારે શાળાએ જવા માટે તેમણે વહેલાં ઉઠવું પડે છે. આવી પરિસ્થિતીમાં તેમની ઉંઘ પૂરી થતી નથી અને એનું પરિણામ તેમના માનસિક અને શારીરિક વિકાસ પર જોવા મળે છે. આવી બીજી અન્ય વાતોનો અભ્યાસ કરીને રાજ્ય સરકારે શાળાના ટાઈમિંગ બાબતે આ નિર્ણય લીધો છે.
પરંતુ રાજ્ય સરકારના પાંચમા ધોરણ સુધીના વર્ગો સવારે નવ વાગ્યા પછી લેવાના નિર્ણયનો બસ ચાલકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. એટલું જ નહીં પણ જો રાજ્ય સરકાર પોતાનો આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલન કરવાનો ઈશારો પણ તેમણે આપ્યો છે. સ્કુલ બસ સંગઠન અનુસાર મુંબઈ, થાણે અને પુણે જેવા શહેરોમાં સવારે 9 વાગ્યે ટ્રાફિક જામની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં ટ્રાફિક જામમાં પણ વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવાનું અધરું થઈ જશે, એવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ નિર્ણય બાદ બસની સંખ્યામાં પણ વધારો કરવો પડશે અને એની સાથે સાથે મેન પાવર અને ઈંધણોને ખર્ચ પણ વધશે. આ બધા વધારાનો મોજો વાલીઓના માથે જ આવશે. આ જ કારણસર સરકારે ફરી એક વખત પોતાના નિર્ણય વિશે વિચાર કરવો જોઈએ એવી ભલામણ પણ બસ ચાલક સંગઠન દ્વારા કરવામાં આવી છે.