સેલ્સમૅને 50 લાખના મોબાઈલ ફોન્સ ડિલર્સને બદલે બજારમાં વેચી નાખ્યા
થાણે: નવી મુંબઈમાં ખાનગી કંપનીના સેલ્સમૅને અંદાજે 50 લાખ રૂપિયાના મોબાઈલ ફોન્સ ડિલર્સ સુધી પહોંચતા કરવાને બદલે બારોબાર બજારમાં વેચી નાખ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
વાશીમાં આવેલી કંપનીના મૅનેજર સંદીપ રાઉતે આ પ્રકરણે એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે બુધવારે કંપનીના સેલ્સમૅન રાજકિરણ રાણે (45) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદ અનુસાર કંપનીમાં 10 સેલ્સમેન કામ કરે છે. નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાંથી મોબાઈલ ફોનના ઑર્ડર મેળવી કંપનીને જાણ કરવાનું કામ સેલ્સમેનને સોંપાયું હતું. ઑર્ડર પ્રમાણે કંપની દ્વારા નવા મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવે છે, જે સેલ્સમેનોએ સંબંધિત ડીલર્સ સુધી પહોંચાડવાના હોય છે.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીએ ઑગસ્ટથી ડિસેમ્બર, 2023 દરમિયાન કથિત છેતરપિંડી કરી હતી. કંપનીમાંથી લીધેલા 206 મોબાઈલ ફોન ડીલર્સને આપવાને બદલે આરોપીએ બજારમાં વેચી નાખ્યા હતા. આ મોબાઈલની કિંમત 50.01 લાખ રૂપિયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
મોબાઈલની રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે આરોપીએ પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કર્યો હોવાનું કંપનીના અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.