નાહુરમાં બર્ડ પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ અટવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યટકોની સાથે જ પર્યાવરણપ્રેમીઓ માટે મુંબઈમાં બીજું પક્ષીસંગ્રહાલય બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાંકાક્ષી પ્રોજેક્ટ ફરી એક વખત વિલંબમાં મૂકાવાની શક્યતા છે. પૂર્વ ઉપનગરના નાહુર વિલેજમાં પક્ષીસંગ્રહાલય બનાવવા માટે એક જ બિડ મળ્યા બાદ પાલિકાએ ફરી એક વખત આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ નીમવા માટે શોધ ચાલુ કરી છે. રસ ધરાવતી કંપનીઓને તેમનો પ્રસ્તાવ સબમીટ કરવા માટે એક અઠવાડિયાનો સમય મળવાનો છે.
પાલિકાના દાવા મુજબ આ પક્ષીસંગ્રહાલય ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટાનિકલ ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલયનું વિસ્તરણ છે, જે પૂર્વ ઉપનગરમાં નાગરિકો અને અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
પાલિકાએ ત્રીજી નવેમ્બરના નાહુરમાં બર્ડ આયવરી (પક્ષીસંગ્રહાલય) ઊભું કરવા માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવા માટે ટેન્ડર મંગાવ્યું હતું. આ પક્ષીસંગ્રહાલય ૬,૩૮૧ ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવાની યોજના છે. મુલુંડ (પશ્ચિમ)માં નાહુર વિલેજમાં ગાર્ડન અને પાર્ક માટે પ્લોટ રિઝર્વ છે.
પાલિકા દ્વારા નીમવામાં આવનારો ક્ધસલ્ટન્ટ આ પક્ષીસંગ્રહાલયમાં કઈ પ્રજાતિના પક્ષીઓ લાવી શકાય તે માટે પૂરા પ્લોટ અને વિસ્તારની આબોહવાની પરિસ્થિતિનો અભ્યાસ કરશે. નાહુર વિલેજમાં બનાવવામાં આવનારી બર્ડ સેન્ચ્યુરીમાં ભાયખલા પ્રાણીસંગ્રહાલયના પક્ષીઓ અને એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અન્ય પ્રાણીસંગ્રહાલયમાંથી લાવવામાં આવનારા વિદેશી પક્ષીઓને પણ અહીં રાખવામાં આવશે. ડિઝાઈન માટે તેમણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી પણ મંજૂરી લેવાની રહેશે. થોડા દિવસ અગાઉ પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા. પરંતુ આ પ્રોજેક્ટ માટે માત્ર એક જ બિડરે રસ દેખાડ્યો હતો. તેથી ગુરુવારે પાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડ્યું હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે બિડ કરનારી કંપનીને આ ક્ષેત્રમાં અનુભવ હોવો આવશ્યક છે. પરંતુ દેશમાં આવા ગણ્યાગાંઠ્યા જ પ્રોજેક્ટ છે, તેથી અપેક્ષા મુજબનો અનુભવ ધરાવતી કંપની દેશમાં જ મળવી મુશ્કેલ છે. તેથી કમનસીબે છેલ્લે જયારે ટેન્ડર બહાર પાડયા હતા, ત્યારે અંતિમ તારીખ સુધી માત્ર એક જ બિડ મળી હતી. નિયમ મુજબ અમારે ત્રણ વખત ટેન્ડર બહાર પાડવાના હોય છે. તે મુજબ આબીજી વખત ટેન્ડર બહાર પાડયા છે. તેમા પણ પ્રતિસાદ નહીં મળે તો ત્રીજી વખત પણ ટેન્ડર બહાર પાડવા પડશે. ત્રણ વખત ટેન્ડર બહાર પાડયા બાદ પણ પ્રતિસાદ નહીં મળતે તો સિંગલ બિડરને કૉન્ટ્રેક્ટ આપવો પડશે.
નોંધનીય છે કે આ અગાઉ પણ પાલિકાએ શહેરમાં બર્ડ પાર્ક બનાવવાની યોજના બનાવી હતી. સૌ પહેલા ૨૦૧૩માં ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પવઈમાં વિશાળ પક્ષી અને સરિસૃપ પ્રજાતિને પક્ષીઓને રાખવા માટે પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ અમુક કારણથી આ પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢી ગયો હતો.
હાલ મુંબઈમાં ભાયખલામાં પ્રાણીબાગ (રાણીબાગ)માં પક્ષી સંગ્રહાલય આવેલું છે, જે ૧૮,૨૩૪ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં ૧૬ પ્રજાતિના ૨૨૨ પક્ષીઓ છે.
 
 
 
 


