પ્રેમીના મોબાઈલમાંથી મળેલા કોડ નંબરનો ભેદ ઉકેલી પોલીસે પ્રેમિકાનો મૃતદેહ શોધી કાઢ્યો
પ્રેમીએ આત્મહત્યા કરતાં પૂર્વે મોબાઈલમાં લખેલો નંબર ખારઘરના જંગલના એક વૃક્ષનો નીકળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈથી ગુમ થયેલી યુવતીના કેસની તપાસ કરનારી પોલીસ અનેક રોમાંચક વળાંકોથી પસાર થઈને આખરે યુવતીના મૃતદેહ સુધી પહોંચી હતી. ટ્રેન સામે ઝંપલાવી કથિત આત્મહત્યા કરનારા પ્રેમીના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા એક કોડ નંબરનો ભેદ વન વિભાગના અધિકારીઓની મદદથી ઉકેલવામાં આવ્યો હતો. એ નંબર ખારઘરના જંગલમાંના એક વૃક્ષનો હતો, જેની નજીકથી પોલીસને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પનવેલ તાલુકાના કળંબોલી પરિસરમાં રહેતી વૈષ્ણવી બાબર (૧૯) ૧૨ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ કૉલેજમાં જવાને બહાને ઘરેથી નીકળ્યા પછી
ગુમ થઈ ગઈ હતી. આ પ્રકરણે વડીલોએ કળંબોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતી મુંબઈના સાયન પરિસરમાં આવેલી જે કૉલેજમાં ભણતી હતી ત્યાં તપાસ કરી હતી. કૉલેજમાંથી છૂટ્યા પછી તે ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન એ જ દિવસે યુવતીના પ્રેમી વૈભવ બુરુંગલે (૨૪)નો મૃતદેહ જુઈનગર રેલવે સ્ટેશન નજીક પાટા પરથી મળી આવ્યો હતો. મૃતદેહ નજીકથી રેલવે પોલીસને વૈભવનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેમાં વૈભવે પ્રેમિકાની હત્યા પછી પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનું નોંધ્યું હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કળંબોલીમાં રહેતા વૈભવ અને વૈષ્ણવી વચ્ચે છેલ્લાં બે વર્ષથી પ્રેમપ્રકરણ હતું. તાજેતરમાં કોઈ વાતે બન્ને વચ્ચે વિવાદ થયો હતો, જેને પગલે વૈષ્ણવીએ વૈભવ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. તે વૈભવ સાથે વાતચીત કરવાનું ટાળવા લાગી હતી. એટલે સુધી કે તેણે વૈભવનો નંબર તેના મોબાઈલમાં બ્લૉક કરી દીધો હતો. આ વાતથી વૈભવ રોષે ભરાયો હતો.
૧૨ ડિસેમ્બરે વૈભવ કૉલેજમાં છૂટેલી વૈષ્ણવીને મળ્યો હતો. સમજાવટને બહાને વૈભવ તેને ખારઘર હિલ્સ ખાતે લઈ ગયો હતો, જ્યાં ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા પછી યુવતીના મૃતદેહને હિલ્સ પરથી ગીચ જંગલમાં ધકેલી દીધો હતો. તાજેતરમાં નવી મુંબઈ મહાપાલિકા દ્વારા વૃક્ષગણતરી કરવામાં આવી હતી, જેને પગલે વૃક્ષો પર નંબર લખવામાં આવ્યા હતા. વૈભવે જે ઝાડ પાસે વૈભવીની હત્યા કરી હતી તેનો નંબર એલ-૦૧-૫૦૧ હતો.
વૈભવે મોબાઈલ ફોનમાં લખેલી સુસાઈડ નોટમાં એવો દાવો કર્યો હતો કે ઓછામાં ઓછી પીડા સાથે મૃત્યુ થાય તો બીજા જનમમાં મળી શકાય છે. એટલે તેણે પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હતી. આ મેસેજ સાથે તેણે એલ-૦૧-૫૦૧ નંબર પણ ટાઈપ કર્યો હતો.
આત્મહત્યા કરવા પહેલાં વૈભવે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે મારા મૃત્યુ બાદ આ મોબાઈલ જેને પણ મળે તેણે મારા પરિવાર અથવા પોલીસને સોંપી દેવો.
રેલવે પોલીસ પાસેથી વૈભવનો મોબાઈલ તાબામાં લઈ કળંબોલી પોલીસ કોડ નંબર એલ-૦૧-૫૦૧નો ભેદ ઉકેલવા મથી રહી હતી. આ કેસની તપાસ માટે સ્પેશિયલ સ્ક્વોડ બનાવવામાં આવી હતી. સ્પેશિયલ સ્ક્વોડની ટીમે સિડકો અને વન વિભાગ, ફાયર બ્રિગેડ, લોનાવલાની શિવદુર્ગ રેસ્ક્યુ ટીમની મદદ લીધી હતી. વન વિભાગે કોડ નંબર ભેદ ઉકેલી તે વૃક્ષનો નંબર હોવાનું શોધી કાઢ્યું હતું.
પોલીસે યુવતીના મૃતદેહને જંગલમાંથી શોધી કાઢવા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ વૈભવે જે વૃક્ષ પાસે યુવતીની હત્યા કરી હતી તેનાથી આઠથી દસ ફૂટના અંતરેથી મંગળવારે એક યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. એ શબનાં કપડાં, કૉલેજ આઈ કાર્ડની રિબન અને કાંડાઘડિયાળ પરથી મૃતદેહ વૈષ્ણવીનો હોવાનું તેના પરિવારજનોએ ઓળખી કાઢ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.