પશ્ચિમ રેલવેના પ્રવાસીઓની હાલાકીમાં થશે વધારો
આગામી મહિનાથી વધુ ૫૦ એસી લોકલ
મુંબઈ: રેલવેના પ્રવાસીઓ ટ્રેનોની અનિયમિતતાને કારણે પહેલાથી હેરાન છે. એસી ટ્રેનોના ઉમેરાને કારણે સામાન્ય લોકલની સંખ્યા ઘટાડી દેવામાં આવતા પ્રવાસીઓની રીતસરની ભીડ જોવા મળે છે. પીક અવર્સમાં સૌથી વધુ હેરાનગતિ થતી હોય છે. એવામાં હવે પશ્ર્ચિમ રેલવેમાં આગામી મહિનાથી વધુ પચાસ એસી ટ્રેન દોડવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેથી સામાન્ય લોકલની સંખ્યામાં ઘટાડો કરવાની શક્યતા છે ત્યારે પ્રવાસીઓની હાલાકી વધવાની પૂરેપૂરી શક્યતા છે. પશ્ર્ચિમ રેલવેની આગામી મહિનામાં ૫૦ એસી લોકલ ટ્રેનોમાં વધારો કરવા યોજના છે. ડિસેમ્બર ૨૦૧૭માં શરૂ થયેલી પ્રથમ એસી લોકલ પશ્ર્ચિમ રેલવેના ચર્ચગેટ – બોરીવલી વચ્ચે દોડી હતી. શરૂઆતમાં, આ લોકલને પ્રતિસાદ મળશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, ટિકિટના ભાવમાં ઘટાડા બાદ એસી લોકલનો પ્રતિસાદ વધવા લાગ્યો છે. આથી મુસાફરો એસી લોકલ ટ્રેનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે.પશ્ર્ચિમ રેલવેમાં હાલમાં ૯૬ એસી લોકલ દોડે છે, જેમાં દરરોજ અંદાજે ૧.૬૨ લાખથી વધુ અને વર્ષે ત્રણ કરોડની વધુ મુસાફરો મુસાફરી કરે છે. વેસ્ટર્ન રેલવે મુસાફરોના વધતા જતા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે વધુ પાંચ એસી રેક રજૂ કરવાનું આયોજન કરી રહી છે. પશ્ર્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે હાલમાં પશ્ર્ચિમ રેલવેના કાફલામાં સાત એસી રેક છે અને જો વધુ પાંચ એસી રેક દાખલ કરવામાં આવે તો ૫૦ એસી લોકલ ટ્રેનોમાં વધારો શક્ય બનશે. માર્ચ ૨૦૨૪ સુધીમાં વધુ પાંચ એસી રેક આવવાની શક્યતા છે