કપટપૂર્વક 24 લાખના શૅર્સ પોતાના નામે કરાવી લેનારો અમદાવાદથી પકડાયો
મુંબઈ: સમાન નામનો લાભ ઉઠાવી કથિત કપટપૂર્વક 24 લાખ રૂપિયાના શૅર્સ પોતાના નામે કરાવી લેનારા અમદાવાદના વતનીની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી હતી.
પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિક્રમ શંકરલાલ શાહ તરીકે થઈ હતી. આરોપીએ પોતાના અને મુંબઈના બિઝનેસમૅન વિક્રમ સુભાષચંદ્ર શાહના સમાન નામનો લાભ ઉઠાવી કથિત ગુનો આચર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતા ફરિયાદી પાસે 1999થી સા રે ગા મા ઈન્ડિયા લિમિટેડના 6,430 શૅર્સ હતા. આ શૅર્સ 23.85 લાખ રૂપિયાના હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
2021માં ફરિયાદીએ તેમના શૅર્સ ડિમેટ એકાઉન્ટમાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કોઈએ અગાઉથી જ આ શૅર્સ પર પોતાનો દાવો કર્યો હોવાનું જણાયું હતું.
ફરિયાદીએ આ અંગે સેબીમાં ફરિયાદ કરી હતી. તપાસમાં જણાયું હતું કે અમદાવાદમાં રહેતા વિક્રમ શંકરલાલ શાહે શૅર્સ પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધા હતા.
સરખા નામનો ફાયદો ઉઠાવી આરોપીએ શૅરધારકના નામનું બનાવટી ડેથ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું હતું અને શૅર્સ પોતાના નામે ટ્રાન્સફર કરાવવા સંબંધિત બોગસ એફિડેવિટ બનાવી હતી, એવું આર્થિક ગુના શાખાના અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસ બાદ આર્થિક ગુના શાખાએ આરોપીને અમદાવાદથી પકડી પાડ્યો હતો. મુંબઈ લવાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)