
મુંબઈ: વિશ્વના ઘણા દેશો અત્યારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારત એક એવો દેશ છે જેની ધીમી પરંતુ મક્કમ ગતિએ પ્રગતિ થઈ રહી છે. તેનો અંદાજ આમતો ભારતના વધતા જીડીપી ગ્રોથથી લગાવી શકાય છે. દેશનું આર્થિક શહેર મુંબઈ પણ આ પ્રગતિમાં સામેલ છે. મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે ત્યારે મુંબઈવાસીઓએ આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન એટલા જ ધામધૂમથી પ્રોપર્ટી પણ ખરીદી છે. અને સરકારને 1124 કરોડ રૂપિયાની કમાણી તહેવારોની સિઝન કરાવી છે.
ગણપતિ ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં પ્રોપર્ટીની જંગી ખરીદી થઈ હતી જેમાં ગયા વર્ષનો પણ રેકોર્ડ તોડ્યો હતો. મિલકતની આ ખરીદ- વેચાણની પ્રક્રિયાથી મહારાષ્ટ્ર સરકારને પણ ઘણી કમાણી થઈ છે. સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાંથી રૂ. 1,124 કરોડની જંગી કમાણી કરી છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે આ સપ્ટેમ્બર મહિનો પ્રોપર્ટી રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી કલેક્શનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 23 ટકા વધુ મિલકતો બુક કરવામાં આવી છે, જ્યારે સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતમાં 53 ટકાનો વધારો થયો છે. તેમજ 10,602 મિલકતોનું વેચાણ થયું હતું. મહારાષ્ટ્રના રજિસ્ટ્રાર ઇન્સ્પેક્ટર જનરલ (ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન)ના ડેટા પ્રમાણે સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષના આ સૌથી મોટા તહેવારના અવસર પર લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું શુભ માને છે. પરંતુ આ વર્ષે ધાર્યા કરતાં પણ વધારે મિલકતોનું ખરીદ – વેચાણ થયું હતું. હવે આગામી મહિનાઓમાં નવરાત્રિ અને દિવાળી નિમિત્તે પ્રોપર્ટીની ખરીદી સારી રહેવાની ધારણા છે.
એક અંદાજ મુજબ મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં તેમાં પણ ખાસ ગણેશોત્સવ દરમિયાન 100માંથી 82 મકાન વેચાયા હતા. જેમાં સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં નોંધાયેલી કુલ મિલકતોમાંથી 82 ટકા રહેણાંક અને 18 ટકા કોમર્શિયલ અને અન્ય કેટેગરીની મિલકતો હતી.
2023ના પ્રથમ 9 મહિનામાં રહેણાંક મિલકત બુકિંગની માસિક સરેરાશ 10,433 જેટલા રહ્યા હતા. આમાં મોટાભાગની મિલકતોની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હતી. જે આ વર્ષનો ખુબજ સારો ગ્રોથ બતાવે છે. જાન્યુઆરી-સપ્ટેમ્બર 2023 દરમિયાન પ્રોપર્ટીનું વેચાણ 57 ટકા રહ્યું છે, જે જાન્યુઆરી-સપ્ટેમ્બર 2020માં ફકત 49 ટકા હતું.