અઠવાડિયે આપણને જે એક દિવસની રજા મળે છે તે મુંબઈના આ આંદોલનને આભારી છે, જાણો છો?
નવી દિલ્હી: હાલ સૌથી વધુ કોઇ મુદ્દાની ચર્ચા હોય તો તે છે કે કર્મચારીએ કેટલા કલાક કામ કરવું જોઇએ. તાજેતરમાં જ લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમ (S.N. Subramaniam) દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે કર્મચારીઓએ રવિવારની રજા લીધા વિના અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. આ ટિપ્પણી પર અનેક લોકોએ ટીકા કે વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ભારતમાં સાપ્તાહિક રજાની વ્યવસ્થા એક લાંબા સંઘર્ષ બાદ મળી છે. આ સંઘર્ષ વિશે આપણે જાણવું જોઇએ.
મુંબઈ ભારતની ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર
બ્રિટિશ શાસન કાળ દરમિયાન મુંબઈ ખૂબ જ ઝડપથી ભારતની ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર બની રહ્યું હતું. ઈસ. 1861 અને 1865 વચ્ચે કપાસની તેજીને કારણે તેની અભૂતપૂર્વ માંગ ઊભી થઈ હતી. અમેરિકામાં ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે ઇંગ્લેન્ડને મળતો કપાસનો પુરવઠો બંધ થઈ ગયો, જેના કારણે ભારતીય કપાસ બ્રિટિશ મિલો માટે જીવાદોરી બની ગયો. 1860 માં ભારતે ઇંગ્લેન્ડમાં 4,22,000 કપાસની ગાંસડીની નિકાસ કરી હતી.
જેમ જેમ વેપારનો વિકાસ વધતાં મુંબઈની પહેલી કપાસ મિલની સ્થાપના જુલાઈ, 1851ના સ્થાપવામાં આવી હતી. આ સાહસ શરૂ કરવા માટે પાંચ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું. એક દાયકામાં, મુંબઈમાં કપાસ મિલોનો ઉદય થયો, જેના કારણે ગ્રામીણ ભારતમાંથી હજારો કામદારો કામ કરવા લાગ્યા.
કેવી હતી મજૂરોની સ્થિતિ?
1871-1872 અને 1876-1877ના ભયંકર દુષ્કાળની પરિસ્થિતિના કારણે મુંબઈમાં મોટા પાયે સ્થળાંતર થયું. 1871 બાદના અઢી દાયકા સુધીમાં 71 મિલોમાં 78,000 કામદારો કામ કરતાં હતા. પરંતુ આ કામદારોનું જીવન ખૂબ જ કઠિન હતું. તે સમયગાળાના ફેક્ટરી ઇન્સ્પેક્ટરના અહેવાલો અનુસાર મજૂરો દિવસમાં 15 કલાકથી વધુ સમય સુધી કામ કરતાં હતા. તેઓને બપોરના સમયે જમવા માટે પણ સમય નહોતો આપવામાં આવતો. આથી તેઓને ઘણીવાર ફેક્ટરીના ફ્લોર પર કામ કરતાં કરતાં ખાવું પડતું હતું.
નારાયણ લોખંડેએ કરી સાપ્તાહિક રજાની માંગ
જો કે વર્ષ 1884માં મજૂરોની પરિસ્થિતિમાં થોડા સુધારની શરૂઆત થઈ અને તે સમયે સમાજ સુધારક જ્યોતિબા ફુલેથી પ્રેરિત થઈને, નારાયણ મેઘાજી લોખંડે નામના એક મિલ કામદાર અને કાર્યકર્તાએ બોમ્બે મિલ હેન્ડ્સ એસોસિએશનની સ્થાપના કરી. કામદારોની હાલત જોઈને તેમણે બ્રિટિશ સરકારને આ અંગે જાણ કરી. આ સાથે, તેમણે અઠવાડિયામાં એક દિવસની રજા પણ માંગી, પરંતુ બ્રિટિશ સરકારે તેમની વિનંતીને સંપૂર્ણપણે નકારી કાઢી હતી.
મિલ માલિકોએ નોંધાવ્યો હતો વિરોધ
મિલ માલિકોએ પણ સાપ્તાહિક રજાની માંગની સામે વિરોધ નોંધાવ્યો હતો. મુંબઈના સંશોધક અને કાર્યકર્તા મનોહર કદમે કામદારોના આંદોલન વિશે લખ્યું છે કે મિલ માલિકોએ આ માંગને ફગાવી દીધી હતી, અને દલીલ કરી હતી કે કામદારો તહેવારો દરમિયાન રજા લેતા હતા અને સ્ત્રીઓ તેમના માસિક સ્રાવ દરમિયાન રજા લેતી હતી. “તેમને સાપ્તાહિક રજાની શું જરૂર છે?” પરતું કામદારોએ સાપ્તાહિક રજાની માંગને લઈને રેલીઓ, હડતાળો યોજીને વિરોધ ચાલુ રાખ્યો હતો.
સરકારે 1890માં સ્વીકારી માંગ
આ માંગને લઈને શરૂ થયેલુ આંદોલન એટલું ઉગ્ર બની ગયું કે લગભગ 10,000 મજૂરોએ બોમ્બેના રેસકોર્સ મેદાનમાં લોખંડેની મજૂર સભામાં ભેગા થયા હતા અને હડતાળની જાહેરાત કરી હતી. આ ચળવળ બાદ બ્રિટિશ સરકાર ભીંસમાં આવી અને 10 જૂન 1890ના રોજ એક આદેશ બહાર પાડીને દર રવિવારે સાપ્તાહિક રજા આપવાની જાહેરાત કરવામાં આવી. ત્યારથી દર રવિવારે રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…આજે નવી મુંબઈ જવાનો વિચાર હોય તો પહેલા આ વાંચી લો, નહીંતર…
શોષણભર્યા ઇતિહાસમાં લડતનો અધ્યાય
તાજેતરમાં કર્મચારીના કામના કલાકો અને ઉત્પાદકતા પર ચર્ચા થઈ રહી છે. તે સમયે મુંબઈના મિલ મજૂરોના સંઘર્ષની કથા એ વાતની સ્પષ્ટ યાદ અપાવે છે કે સાપ્તાહિક રજાનો અધિકાર હિંમત, બલિદાન અને સંઘર્ષ દ્વારા મળ્યો નહિ કે કોઇ ઉપકારથી. આજે ઘણા લોકો જે સાપ્તાહિક રજાને વધારાની સુવિધા કે લાભ માને છે પરંતુ સાપ્તાહિક રજા ભારતના શોષણથી ભરેલા શ્રમ ઇતિહાસમાં ઘટિત થયેલ આકરી લડતનું પરિણામ છે.