મુંબઈમાં વોર્ડની સંખ્યા ૨૬ના આંકડાને આંબશે
કે-પૂર્વ વિભાગના, કે-દક્ષિણ અને કે-ઉત્તર વિભાગમાં થશે વિભાજન
મુંબઈ: મુંબઈમાં વધુ વસતિ અને ઘનતાના વિભાગ એવા કે પૂર્વ વિભાગના વિભાજનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. નવા કાર્યાલય માટે બાવીસ નવાં પદ ઊભાં કરવાં પડશે. વોર્ડના વિભાજનની પ્રક્રિયા ૬૦થી ૭૦ ટકા સુધીની પૂરી થઇ ગઇ હોઇ નજીકના સમયમાં જ પ્રક્રિયા પૂરી થયા બાદ બે નવાં વોર્ડ જાહેર કરવામાં આવશે. આથી હવે મુંબઈમાં વોર્ડની કુલ સંખ્ય ૨૬ થઇ જશે. પાલિકા પ્રશાસન તરફથી પી, કે પૂર્વ અને એલ વોર્ડના વિભાજનનો
પ્રસ્તાવ સામે આવ્યો હતો. એ પૈકી પી વોર્ડનું વિભાજન થયા બાદ કે પૂર્વ અને એલ વોર્ડના વિભાજનનો પ્રસ્તાવ સામે આવ્યો છે. એ પૈકી કે પૂર્વ વોર્ડનું કે ઉત્તર અને કે દક્ષિણ એમ બે ભાગમાં વિભાજન થશે. એલ વોર્ડના વિભાજનના પ્રસ્તાવ પર સમિતિ કામ કરી રહી હોઇ તેનો પણ નજીના સમયમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે.
વોર્ડ નાના હોવાથી વહીવટી કામકાજમાં સગવડ વધે છે
કે પૂર્વ વોર્ડમાં જોગેશ્ર્વરી પૂર્વ, અંધેરી પૂર્વ, મરોલ અને વિલેપાર્લે પૂર્વનો સમાવેશ થતો હતો. કે પૂર્વમાં ૧૫ નગરસેવક આવે છે, જ્યારે તેની વસતિ ૮.૨૩ લાખથી વધુની છે. વસતિને ધ્યાનમાં રાખીને વોર્ડ મોટો હોવાને કારણે પાલિકાના વહીવટી કામકાજમાં અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી. આને કારણે કે પૂર્વ અને એલ વોર્ડને વિભાજન કરવાનો પ્રસ્તાવ પાલિકા પ્રશાસને મૂક્યો હતો. વોર્ડ નાના હોય તો વહીવટી સગવડ માટે અને કામકાજ માટે તેનો વધુ ઉપયોગ થઇ શકે છે, એવો મત પાલિકાના અધિકારીઓ પાસેથી વ્યક્ત કરવામાં આવ્યો હતો.
એલ વોર્ડના વિભાજન માટે સમિતિ કામ કરી રહી છે
એલ વોર્ડ વિભાજનના પ્રસ્તાવને નકારી દેવામાં આવ્યા બાદ બીજી સમિતિ પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. ૧૫.૬ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા એલ વોર્ડની વસતિ ૯ લાખ છે. એલ વોર્ડના એલ ઉત્તર અને એલ દક્ષિણ એમ બે ભાગમાં વિભાજન થઇ શકે છે. નવા વોર્ડની બિલ્ડિંગ ચાંદિવલી ખાતે ઊભી કરવાનો પ્રસ્તાવ છે. આને કારણે ચાંદવિલીના નાગરિકોને પ્રશાસકીય કામો માટે કુર્લા સુધી આવવાની જરૂર નહીં પડે.