આમચી મુંબઈ
એરપોર્ટ પર ભુલક્કડ પ્રવાસીઓની સંખ્યા વધી
૪૧ હજાર સામાનના દાવેદાર હજી નથી મળ્યા
મુંબઈ: ભુલક્કડ પ્રવાસી વર્ષ આખામાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૪૯ હજારથી વધુ વસ્તુઓ દાવા વિનાની પડી છે. એરપોર્ટ પર આવા સામાનની શોધ કરવા માટે ખાસ ટીમ લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં સક્રિય છે.
દેશના બીજા ક્રમાંકનું સૌથી વ્યસ્ત મુંબઈ એરપોેર્ટે ૨૦૨૩માં પ્રવાસીની સંખ્યાએ ત્રણ વર્ષમાં સૌથી વધુ આંકડો પાર કર્યો છે તો બીજી બાજુ વસ્તુઓ ખોવાઈ ગઇ હોવાનું પ્રમાણ વધી ગયું છે. આ આંકડો ૪૯૮૮૫ જેટલો થવા જાય છે. આ એરપોર્ટ ચલાવનાર મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ (મિઆલ) અનુસાર પ્રવાસી એરપોર્ટ પર વસ્તુઓ ભૂલી જાય છે. એ વસ્તુઓ નિરાધાર સ્થિતિમાં મળી આવતાં જ ૨૪ કલાકમાં સક્રિય એવા એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગ તાત્કાલિક તેનો તાબો મેળવે છે. આમાં ૮૨૦૧ વસ્તુઓને સંબંધિત પ્રવાસીઓને પહોંચાડી દેવામાં આવી છે. જોકે ૪૧,૨૮૪ વસ્તુનો દાવો કરનાર હજી સુધી કોઇ પ્રવાસી આવ્યો નથી. ખોવાયેલી વસ્તુઓમાં ઇયરફોન, ચાર્જર, ચશ્માં, જેકેટ અને કમરના પટ્ટા સૌથી વધુ સંખ્યામાં છે. બીજી બાજુ ૧૨૫ વસ્તુ નાશવંત સ્થિતિમાં હતી. પ્રવાસી તેમનો સામાન ભૂલી જાય ત્યારે લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગ તેમના બેગ, પાકીટ, આધારકાર્ડ અને મોબાઈલ ફોન જેવા સામાનને તપાસ કર્યા બાદ પ્રવાસીને સોંપવા માટેનો પ્રયાસ કરતો હોય છે. યોગ્ય રીતે તપાસ કર્યા બાદ એ સામાનને સંબંધિત પ્રવાસીને આપવામાં આવે છે.
અહીં સંપર્ક સાધી શકો છો
હાલમાં નાતાલથી નવા વર્ષ દરમિયાન એરપોર્ટ પર ભારે ભીડ રહેતી હોય છે. ધસારાના આ અઠવાડિયામાં પ્રવાસી સામાન્ય રીતે સામાન ભૂલી જતો હોય છે. આ સ્થિતિમાં પ્રવાસીઓ ટર્મિનલ-૧ માટે ૯૯૩૦૧૪૪૨૭૨ અને ટર્મિનલ-ટુ માટે ૯૬૧૯૦૫૦૫૮૦ કે પછી અન્ય ૮૮૭૯૯૯૨૩૭૧ નંબર પર સંપર્ક સાધી શકે છે.