સૂકા કચરાનો નિકાલ લાવવા ડ્રાય વેસ્ટ સેગ્રીગેશન સેન્ટરની સંખ્યા વધારાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક તરફ મુંબઈ મહાનગરપાલિકાએ સૂકો અને ભીનો કચરો અલગ કરી તેના પર પ્રક્રિયા કરવામાં નિષ્ફળ જનારા બલ્ક જનરેટરો પાસેથી દંડ વસૂલવા માટે કાયદામાં સુધારો કરવાની હિલચાલમાં છે તો બીજી તરફ સૂકા કચરાનું વર્ગીકરણ કરીને તેના પર પ્રક્રિયા કરવા માટે સેન્ટરો ઓછા પડી રહ્યા હોવાથી તેની સંખ્યામાં વધારો કરવાનો વિચાર કર્યો છે. મુંબઈના ૨૪ પ્રશાસકીય વોર્ડમાં હાલ ૪૬ કેન્દ્ર હોઈ તેમાં વધુ આઠથી નવ કેન્દ્ર વધારવાની પાલિકાની યોજના છે.
મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા કચરાનો નિકાલ કરવો સુધરાઈ માટે દુખાવો બની ગયો છે. કચરાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રશાસન ‘વિઝન ૨૦૩૦’ યોજના હેઠળ કામ કરી રહી છે, જેમાં ઝૂંપડપટ્ટી, સોસાયટી, ઓફિસ અને અન્ય સ્થળે નિર્માણ થનારો સૂકો કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી પહેલાં મુંબઈમાં દરરોજ લગભગ નવ હજાર મેટ્રિક ટન કચરો નિર્માણ થતો હતો. કોરોના કાળમાં લોકડાઉન લદાયા બાદ કચરો નીકળવાનું પ્રમાણ ઘટીને ૩,૫૦૦થી ૪,૦૦૦ મેટ્રિક ટન થઈ ગયું હતું. લોકડાઉન રદ થયા બાદ મુંબઈમાંથી ફરી કચરો નીકળવાનું પ્રમાણ વધી ગયું હતું અને દરરોજ લગભગ છ હજાર મેટ્રિક ટન કચરો નિર્માણ થવા માંડ્યો હતો.
કચરાનું પ્રમાણ વધી રહ્યું છે, તેની સામે પાલિકાના અથાગ પ્રયાસ બાદ પણ મુંબઈમાં બલ્ક જનરેટરો દ્વારા ભીનો અને સૂકો કચરો અલગ કરી તેના પર પ્રક્રિયા કરવાનું પ્રમાણ અત્યંત ઓછુંંં છે. સૂકો અને ભીનો કચરો અલગ હોય તેનો નિકાલ કરવાનું સરળ પડે છે. ભીનો કચરો પાલિકા ભેગો કરે છે તો સૂકો કચરો ભેગો કર્યા બાદ તેને ખાનગી સંકલન કેન્દ્રમાં મોકલવામાં આવે છે. સૂકો કચરો જમા થવાનું પ્રમાણ કોરોના બાદ વધ્યો છે. તેથી સેગ્રીગેશન સેન્ટરની ગરજ પણ વધી હોવાથી વધુ આઠથી નવ સેન્ટર આગામી મહિનામાં ચાલુ કરવામાં આવે એવી શક્યતા છે.