આમચી મુંબઈ

આ શહેરમાં વધી ભિખારીઓની સંખ્યા, સરકારે લેવો પડ્યો મહત્ત્વનો નિર્ણય…

મુંબઈઃ મુંબઈમાં ભિખારીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. આ જ કારણે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ ખાતાના પ્રધાન દીપક કેસરકર દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી હતી.

દીપક કેસરકરે આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ મંદિરમાં જાવ ભિખારીઓ પાછળ પડે જ છે અને મુંબઈ માટે આ ધબ્બા સમાન છે. ભિખારીઓની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જ રાજ્ય સરકાર દ્વારા બેગર ફ્રી મુંબઈ આ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે સાથે જ ડ્રગ ફ્રી મુંબઈ એ અભિયાન પણ શરૂ કરવામાં આવશે, એવી માહિતી પણ તેમણે આપી હતી. મુંબઈના વિકાસ સંદર્ભે વિવિધ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

મુંબઈમાં ટોઈલેટની સમસ્યા છે અને આ માટે રૂપિયા 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાણીબાગમાં પણ નાના બાળકો માટે ડબલડેકર બસ શરૂ કરવામાં આવશે. આ બસમાં બેસીને બાળકો રાણીબાગની ઝલક જોઈ શકશે, એવી માહિતી પણ તેમણે આપી હતી. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે દર બુધવારે હું નાગરિકોની સમસ્યાઓ સાંભળવા અને ઉકેલવા માટે મુંબઈ પાલિકામાં હાજર રહીશ.

મુંબઈમાં બાણગંગા જેવા કેટલાક તળાવો આવેલા છે અને એ સ્થળઓએ પણ મ્યુઝિક તેમ જ કુલ્લડમાં ચા આપવાનું શરૂ કરવામાં આવશે. મુંબાદેવી મંદિરના પુનર્વિકાસની યોજના પણ તૈયાર કરવામાં આવી છે અને એ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈમાં આવેલી ભાજીમાર્કેટ, ફિશ માર્કેટ સ્વચ્છ કરવાની સાથે સાથે જ મહાલક્ષ્મીને પણ બીજી જગ્યાએ ખસેડવાને બદલે મહાલક્ષ્મી રેસકોર્સને અંડરગ્રાઉન્ડ રોડથી કનેક્ટ કરવામાં આવશે, એવું કેસરકરે વધુમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button