મુલુંડ-થાણે વચ્ચેનું નવું સ્ટેશન ૨૦૨૫માં થશે શરૂ
પાલિકા અને રેલવે વચ્ચે એમઓયુની પ્રક્રિયા અંતિમ તબક્કામાં
થાણે: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મુલુંડ અને થાણે વચ્ચે નિર્માણાધીન એક્સટેન્ડેડ થાણે સ્ટેશન પરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્ટેશનને જોડતા ત્રણેય એલિવેટેડ રોડનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. થાણે પાલિકા અને રેલવે પ્રશાસન વચ્ચે એમઓયુની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જો બધું સમયસર થશે, તો એક્સટેન્ડેડથાણે સ્ટેશન ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં મુસાફરો માટે તૈયાર થઈ જશે.
ત્રણ માર્ચ, ૨૦૨૩ના રોજ, મુંબઈ હાઈ કોર્ટે જગ્યાના ટ્રાન્સફર પરનો સ્ટે હટાવી લીધો હતો. આ પછી થાણે અને મુલુંડ સ્ટેશન વચ્ચે મનોચિકિત્સા હૉસ્પિટલ પર સૂચિત વિસ્તૃત થાણે રેલવે સ્ટેશનનો માર્ગ સરળ બન્યો
હતો. એપ્રિલમાં રાજ્ય સરકારે હૉસ્પિટલ માટે ૧૪.૮૩ એકર જમીન કોઈપણ કિંમત વિના પાલિકાને ટ્રાન્સફર કરી હતી. થાણે સ્ટેશન પર ભીડ ઘટાડવા માટે હૉસ્પિટલની જગ્યાએ એક નવું સ્ટેશન વિકસાવવામાં આવી રહ્યું છે. થાણે સ્ટેશન પરથી દરરોજ લગભગ ૬.૫ લાખ લોકો પસાર થાય છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આના પર ૧૪૪.૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
એક્સટેન્ડેડ થાણે સ્ટેશન વાગલે એસ્ટેટ સહિત ઘોડબંદર સંકુલના લોકો માટે અનુકૂળ રહેશે. હૉસ્પિટલના મહિલા વોર્ડને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં પ્રોજેક્ટનું લગભગ ૨૨ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એસએમસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની આ કામ કરી રહી છે. એક્સટેન્ડેડ થાણે સ્ટેશન પર ત્રણ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. મુંબઈ સીએસટી અને કલ્યાણ તરફ જતી અને થાણેથી ઉપડતી લોકલ ટ્રેનોને નવા સ્ટેશનથી છોડવામાં આવશે.
નવું સ્ટેશન કેવું હશે?
એક્સટેન્ડેેડ થાણે સ્ટેશનના ડેકને ત્રણ અલગ-અલગ એલિવેટેડ વોક-વે દ્વારા જોડવામાં આવશે.
પ્રથમ જ્ઞાન સાધના કૉલેજની સામેથી નવા સ્ટેશન સુધીનો ૨૭૫ મીટર લાંબો માર્ગ છે.
બીજા મનોચિકિત્સા હૉસ્પિટલની સામેથી નવા સ્ટેશન સુધી ૩૨૭ મીટર લાંબો રસ્તો હશે.
ત્રીજું, મુલુંડ એલબીએસ ટોલ પ્લાઝાથી નવા સ્ટેશન સુધી ૩૨૫ મીટર લાંબો રૂટ હશે.
ત્રણેય પાથ ૮.૫૦ મીટર પહોળા હશે. ડેક ૨૭૫ મીટર લાંબો અને ૩૪ મીટર પહોળો હશે. ડેક જમીનથી લગભગ નવ મીટરની ઉંચાઈ પર હશે.
ડેક પર થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) બસ સ્ટોપ હશે.
ડેકની નીચેનો રસ્તો ઓટો રિક્ષા અને અન્ય વાહનો માટે હશે.