‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ રાખવામાં આવશે
મુંબઈ: ‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. શું સરકાર રાજ્યસભામાં દેશની કેટલીક હાઈકોર્ટનું નામ બદલવાની દરખાસ્ત કરી રહી છે? એવો પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું કે ‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાના પ્રસ્તાવને મહારાષ્ટ્ર સરકાર, ગોવા સરકાર અને બોમ્બે હાઈ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મદ્રાસ હાઈ કોર્ટનું નામ બદલીને ‘તમિલનાડુ હાઈ કોર્ટ’ અને કલકત્તા હાઈ કોર્ટનું નામ બદલવાની મંજૂરી ત્યાંની રાજ્ય સરકાર અને હાઈ કોર્ટ તરફથી મળી નથી. શું કેન્દ્ર સરકાર આ અંગે કાયદો લાવશે? એવો પ્રશ્ન પૂછાતાં કેન્દ્રીય કાયદા મંત્રાલયે તેના પર કાયદો લાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર વી.પી. પાટીલે આ અંગે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. પરંતુ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે અરજી ફગાવી દીધી હતી.