ગેરકાયદે કાટમાળ ફેંકનારાને રોકવામાં પાલિકા લાચાર
મુંબઈ પોલીસ પાસે માગી મદદ: ટ્રાફિક પોલીસના જવાનો ડમ્પરો પર રાખશે નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાઈવે પર મધરાતે કાટમાળ ફેંકી જનારાઓને રોકવામાં મુંબઈ મહાનગરપાલિકા સતત લાચારી અનુભવી રહી છે. માનખુર્દ, શિવાજી નગર, દેવનાર, ગોવંડી, ટ્રોમ્બેમાં હાઈવે પર ગેરકાયદે રીતે કાટમાળ ફેંકી જવાની વારંવારની ઘટનાઓ બાદ હવે પાલિકાએ હવે મુંબઈ ટ્રાફિક પોલીસની મદદ લેવાની છે. એમ-પૂર્વ વોર્ડના અધિકારીએ ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક)ને પત્ર લખીને રીતસરની વિનંતી કરી છે કે તેઓ આવા સ્થળો પર સીસીટીવી કેમેરા બેસાડે અને રસ્તા પર ગેરકાયદે રીતે ડેબરીઝ ફેંકી જનારા સામે આકરી કાર્યવાહી કરે.
એમ-પૂર્વ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર અલકા સસાણેએ ડેપ્યુટી પોલીસ કમિશનર રાજુ ભુજબળ (પૂર્વ ઉપનગર-ટ્રાફિક)ને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યુ છે કે માનખુર્દ, શિવાજી નગર, દેવનાર, ગોવંડી, ટ્રોમ્બે અને શિવાજી નગરના મુખ્ય રસ્તા પર વારંવાર ગેરકાયદે રીતે ડેબરીસ નાખવામાં આવતી હોવાની ફરિયાદો આવી છે, તેને કારણે ટ્રાફિકને પણ અસર થાય છે. રસ્તા પર કાટમાળ ફેંકતા પકડાયા તો તેમને અમે દંડ ફટકારીએ છીએ, છતાં ડમ્પરો મોડી રાતે ગેરકાયદે રીતે રસ્તા પર કાટમાળ ફેંકી જતા હોય છે. નિયમિત રીતે આ કાટમાળને હટાવો પાલિકાને આર્થિક રીતે પરવડતું નથી.
પૂર્વ ઉપનગરમાં ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી નવી મુંબઈ તરફ જતા વચ્ચે આવતા અનેક સ્થળોએ ગેરકાયદે રીતે કાટમાળ ફેંકવામાં આવી રહ્યો છે. મુખ્યત્વે ઈન્ડિયન ઓઈલ નગર ખાતે જે.એમ. લિંક રોડ પાસેના મોટા નાળાઓમાં, માનુખર્દ સર્વિસ રોડ અને સાયન-પનવેલ હાઈવે પર આગરવાડી સિગ્નલ, માનખુર્દમાં એસએમએસ બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોસલ કંપની જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
અલકા સસાણેએ ડીસીપી (ટ્રાફિક)ને વિનંતી કરી છે કે તેઓ પૂર્વ ઉપનગરમાં તેમના અધિકારીઓને ગેરકાયદે રીતે કાટમાળ ફેંકનારા વાહનો સામે કડક પગલા લેવાની સૂચના આપે. સાથે જ આવિસ્તારમાં નજર રાખવા માટે સીસીટીવી બેસાડવાની પણ તેમણે વિનંતી કરી છે.
નોંધનીય છે કે હાલ શહેરમાં ૬,૦૦૦થી વધુ જગ્યાએ બાંધકામ ચાલી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી પાલિકા રસ્તાઓ પર ગેરકાયદે રીતે કાટમાળ ફેંકનારાઓને રોકવા માટે પ્રયાસ કરી રહી છે પણ તેમાં તે સફળ થઈ શકી નથી. ખાસ કરીને મોડી રાતના સમયે અજાણ્યા લોકો દ્વારા આ કાટમાળ ફેંકવાની પ્રવૃતિ વધી જતી હોય છે. પાલિકાના ૨૪ પ્રશાસકીય વોર્ડ દ્વારા પોત-પોતાના વોર્ડમાં આવી ગેરકાયદે પ્રવૃતિઓ પર નજર રાખવા માટે વોર્ડ સ્તરે સ્પેશિયલ સ્કવોડ બનાવવામાં આવી છે. પી-નોર્થ વોર્ડ મલાડમાં આવા ૫૦ વાહનોને ગેરકાયદે રીતે કાટમાળ ફેંકવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.