ડિસેલિનેશન પ્લાન્ટમાં માટે આખરે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખરે મુંબઈ મહાનગરપાલિકાએ પશ્ચિમ ઉપનગરમાં દરિયાને અડીને આવેલા મનોરી ગામમાં ૧૨ હેકટર જમીન પર ડિસેલિનેશન પ્લાન્ટ ઊભો કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પ્લાન્ટની ક્ષમતા ૨૦૦ એમએલડી (મિલિયન લિટર પર ડે) હશે, જે ભવિષ્યમાં ૪૦૦ એમએલડી સુધી વધારી શકાશે. પાલિકાએ પોતાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આગામી ચાર વર્ષમાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ ૩,૫૨૦ કરોડ રૂપિયા છે, જેમાં ૨૦ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેન્સનો પણ સમાવેશ થાય છે.
હાલ મુંબઈ મહાનગરપાલિકા પ્રતિદિન મુંબઈને ૩,૯૦૦ એમએલડી પાણીપુરવઠો કરે છે. પીવાના પાણીના પુરવઠા માટે પાલિકા સંપૂર્ણપણે ચોમાસા પર નિર્ભર છે. તેથી પાણી પુરવઠો વધારવા માટે પાલિકાએ ડિસેલિનેશન (ખારા પાણીને વાપરવા લાયક બનાવવો) પ્લાન્ટને હાથ ધર્યો છે. જાન્યુઆરી, ૨૦૨૨માં ઈઝરાયેલી કંપની દ્વારા સબમીટ કરાયેલા અભ્યાસ અને ડિઝાઈનનું મુલ્યાંકન કરવા માટે પાલિકાએ ખાનગી કંપનીને કન્સલટન્ટ તરીકે નીમી હતી, જેણે ઈઝરાયેલી કંપનીએ સબમીટ કરેલા અભ્યાસ અને ડિઝાઈનને મંજૂરી આપી છે. જોકે લગભગ બે વર્ષ બાદ પાલિકાએ સોમવારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું.
પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં આ પ્રકારનો પહેલો પ્લાન્ટ હોવાથી અનેક પડકારોનો સામનો કરવો પડવાનો છે. આ પ્લાન્ટ સૌર ઉર્જાથી ચાલશે, છતાં તેમા અનેક અડચણ અને પડકારો આવે એવી શક્યતા છે.
આ પ્લાન્ટના ઈન્સ્ટોલેશન પાછળ લગબગ ૧,૬૦૦ કરોડ રૂપિયા અને ૨૦ વર્ષ સુધી તેની જાળવણી પાછળ ૧,૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ મુંબઈમાં ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનું સૂચન કર્યા પછી ૨૦૦૭માં આ પ્રોજેક્ટને ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં આવા બે પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા પાલિકાએ ચાલુ કરી હતી, જેમાં એક દક્ષિણ મુંબઈ અને બીજો પશ્ચિમ મુંબઈમાં ઊભો કરવાની હતી. જોકે ઊંચો ખર્ચ અને જમીનના મુદ્દાઓ કારણે પ્રસ્તાવ અટવાઈ રહ્યો હતો. બાદમાં જોકે ઑક્ટોબર, ૨૦૨૦માં ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો અને તેને આગળ વધારવાની યોજના હાથ ધરવામાં આવી હતી. જોકે બાદમાં સરકાર બદલાતા આ પ્રોજેક્ટ ફરી અટવાઈ ગયો હતો અને હવે ફરી તે પાટે ચઢે તેવી શક્યતા છે.