ચોરી કરવા જનારા પુત્રને, માતા ડ્રગ્સ આપતી હતી!
મુંબઈ: મુંબઈમાં બંધ ઘરોમાં ચોરી કરવાના અનેક કેસમાં સંડોવાયેલા રીઢા ચોરની પૂછપરછમાં પોલીસને આંચકાજનક માહિતી મળી હતી. ચોરી કરવા આરોપી ઘરની બહાર નીકળે તે પહેલાં તેની માતા તેને ડ્રગ્સ આપતી હતી.
કાલાચોકી પોલીસે શનિવારે પકડી પાડેલા આરોપીની ઓળખ કૃષ્ણ રવિ મહેસ્કર (24) તરીકે થઈ હતી. મુંબઈનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ ચોરીના બાવીસ ગુના નોંધાયેલા હોવાનું કહેવાય છે.
કૃષ્ણ રીઢો આરોપી છે અને તેની માતા વિજેતા (50)એ તેની ગુનાહિત પ્રવૃત્તિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પુત્ર ચોરી કરવા જવાનો હોય ત્યારે માતા તેને ડ્રગ્સ આપતી હતી. એ સિવાય ચોરેલી મતા ઠેકાણે પાડવામાં પણ માતા મદદરૂપ થતી હતી, એવું તપાસમાં સામે આવ્યું હોવાનું કાલાચોકી પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું.
પૂછપરછમાં આરોપીએ કરેલા દાવાની અને તેની માતાની ભૂમિકાની પોલીસ ખાતરી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે એક કેસમાં જામીન પર છૂટ્યા પછી આરોપી તરત બીજો ગુનો કરવા તૈયાર થઈ જતો હતો. શનિવારે પોલીસે તેને આગ્રીપાડાથી પકડી પાડ્યો હતો. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)