મુંબઈના તાપમાનમાં વધારો થતાં હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુંબઈ: આખી શિયાળાની ઋતું ગુલાબી ઠંડીથી વંચિત રહ્યા બાદ હવે ફેબ્રુઆરી મહિનો પણ અડધો પૂર્ણ થતાં મુંબઈના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ મુંબઈમાં ગરમીની અસર જણાઈ રહી હતી. એવામાં મુંબઈનું તાપમાન 34.4 ડિગ્રી નોંધાતા આગામી સમયમાં મુંબઈમાં કેવી ભયંકર ગરમી ત્રાટકશે તેની ચિંતા મુંબઈગરાઓને સતાવી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વાર મુંબઈનું તાપમાન 34.4 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું અને ગુરુવારે 33.2 ડિગ્રી તાપમાનની નોંધ કરવામાં આવી હતી. આઇએમડી વિભાગની રિપોર્ટ મુજબ મુંબઈના કોલાબામાં શુક્રવારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી તેમ જ ન્યૂનતમ તાપમાન 21.8 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
મુંબઈના તાપમાનમાં વધારા બાબતે આઇએમડી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે મુંબઈમાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ રહેવાનું છે. મુંબઈમાં પૂર્વ તરફથી આવતા ગરમ પવનોને લીધે શહેરનું તાપમાનમાં આગામી અઠવાડીયા સુધી વધુ રહેશે એવી આગાહી આઇએમડી વિભાગે કરી હતી.
મુંબઈમાં ભલે ઉનાળો શરૂ થઈ ગયો છે પણ ઉત્તર ભારતમાં હજી પણ ઠંડીનો ચમકારો ઓછો થતો જોવા મળ્યો નથી. દિલ્હીમાં પારો સાત ડિગ્રીની આસપાસ નોંધવામાં આવતા ગાઢ ધુમ્મસને લીધે અનેક ટ્રેનો અને ફ્લાઇટ સેવાને અસર થઈ હતી.