સસ્તા દરે ફ્લૅટ વેચવાને બહાને અનેકને છેતરનારી ટોળકીનો સૂત્રધાર પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈ-વિરારમાં સસ્તા દરે ફ્લૅટ ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી નાગરિકો પાસેથી રૂપિયા પડાવીને તેમને છેતરનારી ટોળકીના સૂત્રધારને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ રામસિંહ જાલમસિંહ દેવરા (28) તરીકે થઈ હતી. કોર્ટે આરોપીને બીજી ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
વસઈ-વિરારમાં રસ્તા દરે ફ્લૅટ અપાવવાની જાહેરાત ઠેકઠેકાણે કરીને નાગરિકોને છેતરનારી ટોળકી સક્રિય હોવાની માહિતી પોલીસને મળી હતી. યુનિટ-3ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે છટકું ગોઠવી ટોળકીના સૂત્રધાર દેવરાને વસઈથી તાબામાં લીધો હતો. આરોપીઓ વિરુદ્ધ અર્નાળા સાગરી, તુલિંજ, નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં પણ આ રીતે છેતરપિંડી કરવાના ગુના નોંધાયેલા છે. અત્યાર સુધીમાં આરોપીએ અનેક લોકો પાસેથી બે કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી સંતોષ ઠાકુરને ફ્લૅટ ખરીદવાની ઇચ્છા હોવાથી તેણે આરોપી દેવરાનો સંપર્ક સાધ્યો હતો. દેવરાએ પોતાની ઓળખ રામ પાટીલ તરીકે આપી હતી. આ ગુનામાં દેવરાના સાથી સ્વપ્નિલ હળદનકર, અમોલ ભોઈર, રાહુલ સિંહ ઉર્ફે સૂરજ દુબે અને અરવિંદ દુબેની પણ સંડોવણી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આરોપીઓએ વિરાર પશ્ર્ચિમમાં ગ્લોબલ સિટી ખાતેનો ફ્લૅટ સ્વપ્નિલ હળદનકરનો હોવાનું કહ્યું હતું. આ ફ્લૅટ માટે ફરિયાદી પાસેથી 7.83 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. જોકે બાદમાં ફરિયાદીને ફ્લૅટનો તાબો અપાયો નહોતો અને રૂપિયા પણ પાછા આપવામાં આવ્યા નહોતા. આ પ્રકરણે ઠાકુરે અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.