જૂની અદાવતમાં કોયતાના અનેક ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા કરનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પરિવાર સાથે પાંચેક વર્ષ અગાઉ થયેલા વિવાદનું વેર વાળવાને ઇરાદે કોયતાના અનેક ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની વસઈમાં બનેલી ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
વસઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ કુશનુ રામરાઈ હેમ્બ્રોસ (28) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને વાલિવ પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વસઈના ગૌરાઈ પાડા ખાતેની કીર્તિ ઈન્ટસ્ટ્રિયલ એસ્ટેટની સુરક્ષા દીવાલ નજીકની ગુરુવારની રાતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ચહેરા, ખભા અને ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘાનાં નિશાન હતાં. આ પ્રકરણે વાલિવ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ યુનિટ-2ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર અવિરાજ કુરાડેની ટીમે હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મૃતકની ઓળખ ટાટા કિરસુન હેમ્બ્રામ (30) તરીકે થઈ હતી. ઝારખંડ જિલ્લાના ઠેસાપિડ ગામનો વતની એવો મૃતક 17 ડિસેમ્બરની રાતે તેના ગામવાસી કુશનુના વસઈના ઘરે ગયો હતો, એવું પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું.
શંકાને આધારે તાબામાં લેવાયેલા કુશનુની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે ગુનો કબૂલ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કુશનુના પરિવાર સાથે પાંચેક વર્ષ પહેલાં મૃતકનો વિવાદ થયો હતો. આ વાતનો રોષ આરોપીના મનમાં હતો. વેર વાળવાની ભાવનાથી આરોપીએ કોયતાના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી.
આપણ વાંચો: મહારાષ્ટ્ર નગર પંચાયત ચૂંટણીમાં MNSની કારમી હાર: મહાયુતિની ભવ્ય જીત



