આમચી મુંબઈમહારાષ્ટ્ર

સત્તા સંઘર્ષના મહત્ત્વના તબક્કે વિધાનમંડળમાં ફૂલટાઈમ સચિવ જ નથી

પાંચ મહિનાથી સચિવનું પદ ખાલી પડ્યું છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનમંડળમાં અત્યારે અત્યંત મહત્વની ઉથલપાથલ થઈ રહી છે. સત્તા સંઘર્ષમાં નવો ટ્વિસ્ટ લાવનારા શિવસેનાના બે જૂથો સામસામે આવી ગયા છે અને સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ હવે વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી શરૂ કરવામાં આવી છે ત્યારે વિધાનભવનનો કારભાર અત્યારે કામચલાઉ સચિવ સંભાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યની અત્યારની સરકારનું ભાવિ વિધાનસભ્યોની અપાત્રતા પિટિશનની સુનાવણી પર આધાર રાખે છે ત્યારે આ કેસની સુનાવણી સંબંધી વિવિધ પાસાનો અભ્યાસ કરીને સચિવ વિધાનસભાના અધ્યક્ષને સલાહ આપી શકે છે, પરંતુ છેલ્લા પાંચ મહિનાથી બંને સચિવના પદ ખાલી પડ્યા હોવાથી સચિવ-1નો ચાર્જ જીતેન્દ્ર ભોળે અને સચિવ-2નો ચાર્જ વિલાસ આઠવલે પાસે કામચલાઉ ધોરણે સોંપવામાં આવ્યો છે.

એક દિવસમાં પાંચ આદેશ?

વિધાનમંડળ સચિવાલયમાં સચિવ અથવા પ્રધાન સચિવ પદે સહસચિવ પદના અધિકારીઓની સિનિયોરિટીને આધારે નિયુક્તિ કરવામાં આવતી હોય છે, પરંતુ ઉપસચિવ પદના ચાર અધિકારીઓમાં સિનિયોરિટીના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જેને કારણે બે સહસચિવ પદ અનેક વર્ષોથી ખાલી રાખવામાં આવ્યા હતા. હવે ખાલી પડેલા પ્રધાન સચિવના પદે નિયુક્તિ કરવા માટે પહેલાં સહ સચિવ પદ ભરવું પડશે. એક ખાસ અધિકારીની સચિવ પદે નિયુક્તિ કરવા માટે બે સહસચિવને બદલે ચાર સચિવપદની નિર્મિતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમને નાણાં ખાતાની મંજૂરી મળતાં જ બીજે દિવસે વિલાસ આઠવલે, મેઘના તળેકર, શિવદર્શન સાઠે અને જિતેન્દ્ર ભોળેની સહ સચિવપદે નિયુક્તિ કરવામાં આવી હતી.

ત્યારબાદ વિધાન પરિષદના સભાપતિ, વિધાનસભા અધ્યક્ષ અને મુખ્ય પ્રધાનનનો સમાવેશ હોય એવી વિશેષ મંડળે પ્રધાન સચિવ પદનું સચિવ-1 અને સચિવ-2 એવું નામકરણ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તે જ દિવસે સચિવ એકના પદે જીતેન્દ્ર ભોળે અને સચિવ-2ના પદે વિલાસ આઠવલેની કામચલાઉ નિયુક્તિ કરવામાં આવી છે.

આ પાંચેય આદેશ એક જ દિવસે એટલે કે 11મી મે, 2023ના રોજ કાઢવામાં આવ્યા હતા. સચિવ અને સહસચિવ પદે જેમની કામચલાઉ નિયુક્તિ કરવામાં આવી છે તેમની સિનિયોરીટીના મુદ્દે વિવાદ થયો છે. આ પ્રકરણ અત્યારે સુપ્રીમ કોર્ટમાં પડતર છે. સચિવ-1 અને સચિવ-2 પદ પરની કામચલાઉ નિયુક્તિને સુપ્રીમ કોર્ટની વિશેષ અનુમતીને આધારે ચાલી રહી છે અને અંતિમ નિર્ણયને આધીન છે. એટલે વિધાનસભ્યોની અપાત્રતાનો નિર્ણય કરનારા અધિકારીઓ પોતે જ અપાત્રતાનો સામનો કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button