શિવસેના વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દો સુપ્રીમ કોર્ટે નિર્ણયની અવધિ માટે સ્પીકરને છેલ્લી તક આપી
આગામી સુનાવણી ૩૦મી ઓક્ટોબરે
નવી દિલ્હી: પક્ષમાં ભંગાણ પડ્યા પછી શિવસેનાના બંને જૂથના વિધાનસભ્યો દ્વારા એકબીજાને ગેરલાયક ઠેરવવા સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજીઓ અંગે નિર્ણય લેવા માટે વ્યવહારિક સમયમર્યાદા નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને અંતિમ તક આપી છે. ગેરપાત્રતા અંગેની અરજીઓનો નિકાલ ઝડપથી આવવો જોઈએ એવી સ્પષ્ટતા અદાલત દ્વારા કરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડના વડપણ હેઠળની ખંડપીઠે સોલિસિટર તુષાર મહેતાની રજૂઆતની નોંધ લીધી હતી. પોતે વ્યક્તિગત ધોરણે દશેરા વેકેશન દરમિયાન સ્પીકર સાથે વાત કરશે અને કાર્યવિધિની રૂપરેખા તૈયાર કરશે એમ સોલિસિટરે જણાવ્યું હતું. આગામી સુનાવણી માટે ૩૦ ઓક્ટોબરની તારીખની જાહેરાત કરતી વખતે ખંડપીઠે જણાવ્યું હતું કે ‘અમને સમય મર્યાદા અંગે સંતોષ નથી. સોલિસિટર જનરલે અમને જણાવ્યું છે કે દશેરાની છૂટ્ટી વખતે તેઓ સ્પીકર સાથે વાતચીત કરી કામમાં વેગ લાવશે.’ ખંડપીઠમાં માનનીય ધનંજય ચંદ્રચુડ સાથે ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા પણ છે. (પીટીઆઈ)