‘ઇમ્ફાલ’ જહાજ આવતા મહિનાના અંતમાં નૌકાદળના કાફલામાં સામેલ થશે
મુંબઈ: કોઇપણ રડારની રેન્જમાં ન આવે એવું સ્ટીલ્થ શ્રેણીનું આધુનિક યુદ્ધજહાજ દરિયાઈ ચકાસણીઓના આખરી તબક્કામાં છે. એ યુદ્ધજહાજ ૩૧ ઑક્ટોબરે નૌકાદળના કાફલામાં સામેલ કરવાની શક્યતા છે. તેને માટે મઝગાંવ ડૉકમાં તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. ‘ઇમ્ફાલ’નું બાંધકામ મઝગાંવ ડૉકમાં વર્ષ ૨૦૧૭ની ૧૯મેએ શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ ૨૦૧૯ની ૨૦ એપ્રિલે એ યુદ્ધજહાજને દરિયામાં તરતું મૂકવામાં આવ્યું હતું. તેની દરિયાઈ ચકાસણીઓ વર્ષ ૨૦૨૩ની ૨૮ એપ્રિલે શરૂ કરવામાં આવી હતી.
હાલ નૌકાદળમાં કાર્યરત ‘વિનાશિકા’ શ્રેણીના યુદ્ધજહાજ ‘આઈએનએસ વિશાખાપટ્ટણમ’ અને ‘આઈએનએસ મોર્મુગાવ’ની કક્ષાનું છે. એ શ્રેણીનું ત્રીજું યુદ્ધજહાજ ‘ઇમ્ફાલ’ અને ચોથું યુદ્ધજહાજ ‘આઈએનએસ સુરત’ છે. ‘આઈએનએસ સુરત’ની દરિયાઈ ચકાસણી ચાલી રહી છે. ‘આઈએનએસ ઇમ્ફાલ’ જહાજને તરતું મૂકાયા પછી અઢી વર્ષના ગાળામાં નૌકાદળના કાફલામાં દાખલ કરવામાં આવશે.
નૌકાદળે ‘વિનાશિકા’ જહાજોના બાંધકામ માટે ‘પ્રકલ્પ-૧૫’ હાથ ધર્યો છે. તેમાં પ્રથમ ત્રણ યુદ્ધજહાજો વર્ષ ૧૯૯૮થી વર્ષ ૨૦૦૧ સુધીના ગાળામાં નૌકાદળના કાફલામાં જોડાયા હતા. એ યુદ્ધજહાજો ‘આઈએનએસ દિલ્હી’ શ્રેણીના હતા. ત્યારપછી પ્રકલ્પ ૧૫-અ હેઠળ ‘આઈએનએસ કોલકાતા’ શ્રેણીના ત્રણ ‘સેમી સ્ટીલ્થ’ યુદ્ધજહાજો હતા. ત્યારપછી પ્રકલ્પ ૧૫-બ હેઠળ ચાર યુદ્ધજહાજો તૈયાર કરવામાં આવ્યા છે. (એજન્સી)
વજન * ૭૪૦૦ ટન
લંબાઈ * ૧૬૩ મીટર
પહોળાઈ * ૧૭.૪ મીટર
મહત્તમ વેગ * કલાકના ૩૩.૫ નૉટિકલ માઇલ્સ (૬૨ કિલોમીટર)
મહત્તમ ક્ષમતા * ૮૦૦૦ કિલોમીટર (૪૫ દિવસ)
કર્મચારી * ૩૦૦ (૫૦ અધિકારી અને ૨૫૦ સૈનિકો)
શસ્ત્રભંડાર * ૩૨ હવામાં પ્રહાર કરતી બરાક મિસાઇલ્સ, ૧૬ જહાજ પર પ્રહાર કરતા બ્રહ્મોસ મિસાઇલ્સ, બે જહાજ વિરોધી રૉકેટ્સ