નાંદેડ ઘટના પર હાઈ કોર્ટે રાજ્ય સરકારને ઝાટકી
વિગતો મગાવી તાત્કાલીક જવાબ આપવાનો આદેશ
મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટે બુધવારે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરમાં આવેલી સરકારી હૉસ્પિટલોમાં થયેલા દર્દીઓના મૃત્યુ અંગે સુઓ મોટો લઇ મહારાષ્ટ્ર સરકાર પાસે બનાવની વિગતો રજૂ કરતો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ જનરલ બિરેન્દ્ર સરાફને શુક્રવારે આરોગ્ય માટે રાજ્યના બજેટની ફાળવણી અંગેની વિગતો બેંચને સબમિટ કરવા જણાવ્યું હતું.
વકીલ મોહિત ખન્નાએ બેંચ સમક્ષ સમગ્ર મામલાની સુઓ મોટો નોંધ લેવા કોર્ટને વિનંતી કરતો પત્ર રજૂ કર્યો હતો. બેન્ચ દ્વારા વકીલ મોહિત ખન્નાને એક અરજી દાખલ કરવા નિર્દેશ કરાયો હતો અને જણાવાયું હતું કે તે અસરકારક આદેશ જાહેર કરવા માંગે છે. વકીલ મોહિત ખન્નાને હૉસ્પિટલોમાં ખાલી બેડ, દવાની ઉપલબ્ધતા, સરકાર કેટલી ટકાવારીમાં ભંડોળમાંથી ખર્ચ કરી રહી છે વગેરે માહિતી એકત્ર કરવા પણ કહ્યું હતું.
જો કે, બપોરના સત્રમાં કોર્ટમાં ન્યાયાધીશોની ખંડપીઠે જણાવ્યું હતું કે તે આ મુદ્દા પર સ્વત: સ્વપ્રેરિત અપજી લઈ રહી છે અને તેમણે નોંધ્યું છે કે હૉસ્પિટલોમાં પથારી, સ્ટાફ અને આવશ્યક દવાઓની અછતના તબીબો દ્વારા આપવામાં આવેલા કારણોને સ્વીકારી શકાય નહીં. હાઇ કોર્ટ કહ્યું કે આ મામલે શુક્રવારે સુનાવણી યોજાશે.
વકીલ મોહિત ખન્નાએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે 48 કલાકની અંદર નાંદેડની ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં શિશુઓ સહિત 31 મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત છત્રપતિ સંભાજીનગરમાં પણ સરકારી હૉસ્પિટલમાં બે અને ત્રણ ઓક્ટોબરે બાળકો સહિત 18 દર્દીઓના મોતની ઘટનાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.