બદલાપુરમાં બનશે વિશાળ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આજે કેન્દ્રિય પ્રધાનના હસ્તે શિલાન્યાસ
બદલાપુર: મુંબઈના વાનખેડે અને થાણેના ડી.વાય. પાટીલ સ્ટેડિયમની જેમ જ બદલાપુર શહેરમાં પણ એક ભવ્ય ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવવામાં આવવાનું છે. બીજી માર્ચ શનિવારે કેન્દ્રિય પ્રધાન કપિલ પાટીલના હસ્તે આ સ્ટેડિયમનું શિલાન્યાસ કરવામાં આવશે. બદલાપુરમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બન્યા બાદ શહેરના રમત પ્રેમીઓને પ્રશાસન તરફથી એક મોટી ભેટ મળવાની છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે બદલાપુર પાલિકામાં આવેલા કુળગામમાં વિભાગ નંબર ૧૮ સર્વે નંબર ૫૯ આ ડીપી હેઠળની એક આરક્ષિત જમીનને પાલિકા દ્વારા તાબામાં લઈને તેના પર સ્ટેડિયમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. ૧૮ એકરની જમીન પર નિર્માણ કરવામાં આવનાર આ સ્ટેડિયમમાં ૨૦થી ૨૫ હજાર જેટલા દર્શકો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવશે. આ સાથે ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ, દર્શકો માટે જુદી-જુદી ગેલેરી, આરામદાયક બેઠક વ્યવસ્થા, ટોયલેટરી રૂમ અને ખાવા-પીવાની સગવડ પણ ઊભી કરવામાં આવશે.
આ સ્ટેડિયમમાં દરેક પ્રકારની ઉત્તમ સુવિધા સાથે ગો ગ્રીન હેઠળ ક્રિકેટ અને ફૂટબોલની પણ ઇન્ટરનેશનલ મેચ રમી શકાશે. આ સ્ટેડિયમમાં પાર્કિંગની સુવિધા સાથે સ્ટેડિયમના મેદાનમાં વોટરપ્રૂફિંગ, ઓર્ગેનિક ખાતર પણ છાટવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.