અઢી કરોડ મુંબઈગરાની ફૂડ સેફ્ટી છે ભગવાન ભરોસે…
મુંબઈઃ મુંબઈમાં આશરે ત્રીસ હજાર જેટલી નાની-મોટી હોટલ આવેલી છે અને આ હોટેલની તપાસ કરવાની ઝૂંબેશ હાલમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાથ ધરવામાં આવી છે, પણ આ બધા વચ્ચે સૌથી શોકિંગ વાત તો એ છે કે મુંબઈમાં માત્ર 13 ફૂડ ડ્રગ ઈન્સપેક્ટર છે અને એમના ખભા પર જ મુંબઈગરાની સ્વાસ્થ્યની જવાબદારી છે.
બાંદ્રા ખાતેની પ્રસિદ્ધ ફૂડ ચેઈનના આઉટલેટમાં ઉંદર મળી આવ્યા બાદ એફડીએ દ્વારા શહેર અને ઉપનગરમાં આવેલી હોટેલની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઝૂંબેશમાં 13 ફૂડ ઈન્સપેક્ટર આખા દિવસ દરમિયાન મુંબઈની ચારથી પાંચ હોટેલમાં જ ઈન્સપેકશન કરે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી એફડીએમાં મેન પાવરની અછત હોવાને કારણે અહીંના અધિકારીઓ પર કામનો વધારાનો બોજો પડી રહ્યો છે. ઓછા કર્મચારીઓને કારણે ફેરિયાઓ, હોટેલ્સ, પ્રતિબંધિત ખાદ્યપદાર્થો પરની કાર્યવાહી, ડેરી પ્રોડક્ટ પરની કાર્યવાહી અને અન્ય તપાસ કઈ રીતે કરી શકાય એ એક મોટો સવાલ છે.
એફડીએના 13 ફૂડ ઈન્સપેક્ટર જો દિવસના ચાર હોટેલનું ઈન્સપેક્શન કરે છે તો મુંબઈની સેવન સ્ટાર, ફાઈવસ્ટાર અને નાની મોટી હોટલ મળીને આશરે 30 હજાર જેટલી હોટલ છે. એટલે આ તમામ હોટલમાં ઈન્સપેક્શન કરવા માટે 7,500 દિવસનો સમય લાગશે. બીજા શબ્દોમાં કહીએ તો મુંબઈની તમામ હોટેલનું ઈન્સપેક્શન કરવા માટે એફડીએના ફૂડ ઈન્સપેક્ટરને આશરે 20 વર્ષનો સમય લાગશે.
સુરક્ષિત અને દરજ્જાદાર ભોજન મળે એ માટે એફડીએ દ્વારા કઠોર કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને એનું પાલન થાય છે કે નહીં તેનું નિરીક્ષણ એફડીએ દ્વારા કરવામાં આવે છે. જૂના અન્ન ભેળસેળ પ્રતિબંધક કાયદા અનુસાર એક લાખની વસતી પાછળ એક ફૂડ ઈન્સપેક્ટર એવી જોગવાઈ છે. પણ કાયદામાં કરાયેલા ફેરફાર બાદ એક હજાર રજિસ્ટર્ડ વ્યવસાયિક પાછળ એક ફૂડ ઈન્સ્પેક્ટર એવી ગોઠવણ કરવામાં આવી છે.