આમચી મુંબઈ

આજથી પાંચ દિવસનું વિધાનસભાનું બજેટ અધિવેશન

વિપક્ષો ગોળીબાર, મરાઠા અનામત જેવા મુદ્દાઓથી સરકારને ઘેરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું પાંચ દિવસનું બજેટ સત્ર શરૂ થશે અને આ અધિવેશન દરમિયાન વિરોધપક્ષ સરકારને ઘેરવા માટે વિવિધ મુદ્દાઓ પોતાના શસ્ત્રાગારમાં તૈયાર રાખેલા છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ અધિવેશન ખૂબ જ મહત્ત્વનું પુરવાર થઇ શકે છે. વિપક્ષ સરકારને ઘેરવાનો પૂરો પ્રયત્ન કરશે જ્યારે સરકાર પણ પોતાનો પક્ષ માંડીને પૂરો જોર લગાવશે. દહીંસરમાં શિવસેનાના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકરની ગોળી મારીને થયેલી હત્યા ઉપરાંત ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ ઉપર થયેલા ગોળીબારને પગલે રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થાની સ્થિતિ એ સૌથી મોટો મુદ્દો હશે, જે વિરોધ પક્ષનું સરકાર વિરુદ્ધ નિશાન તાકવા માટે મોટું હથિયાર હશે. આ ઉપરાંત મરાઠા સમાજ દ્વારા અનામત માટે ચલાવવામાં આવી રહેલું આંદોલન પણ અધિવેશનમાં મોટો મુદ્દો બનશે.

આ સિવાય પુણેમાં મળી આવેલા હજારો કરોડો રૂપિયાના ડ્રગ્ઝના મુદ્દે પણ સરકાર ઉપર પસ્તાળ પાડવાનો પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતા છે.

બજેટમાં શું લાભ મળે છે તેેના પર બધાની નજર
આ અધિવેશનનો મુખ્ય એજન્ડા રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરવાનો હશે. પરંતુ એ દરમિયાન વિરોધ પક્ષ વિવિધ મુદ્દે સરકારને ઘેરશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉપર જેટલા પ્રહારો
કરી શકાય તેટલા પ્રહાર કરવાનો મોકો વિપક્ષને આ અધિવેશનમાં મળશે.

અધિવેશનના પહેલા દિવસે સૌપ્રથમ મૃત્યુ પામેલા ભાજપના વિધાનસભ્ય રાજેન્દ્ર પાટણી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના નિધન થયાને પગલે શોકપ્રસ્તાવ માંડીને વિધાનસભાની કાર્યવાહી પૂરી કરાશે. જ્યારે ૨૭ ફેબ્રુઆરીના રોજ અધિવેશનના બીજા દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પૂર્વે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવનાર હોઇ સરકાર માટે પણ આ અત્યંત મહત્ત્વનું અધિવેશન બની રહેશે, કારણ કે નાગરિકોને બજેટમાં શું લાભ, સુવિધા મળે છે, તેના ઉપર બધાની નજર હશે. જો બજેટમાં સામાન્ય નાગરિકોને લાભ મળે તેવું ખાસ કંઇ ન હોય, તો તે મુદ્દે પણ વિરોધ પક્ષ સરકારને નિશાન ઉપર લેવા માટે તૈયાર રહેશે.

વિપક્ષનો ચા-પાણીની પાર્ટીનો બહિષ્કાર
બજેટ સત્ર પહેલા ઔપચારિક તેવી ચા-પાણીની પાર્ટી(ટી-પાર્ટી)નો વિપક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મહાવિકાસ આઘાડીના બધા જ ઘટક પક્ષોએ આ પાર્ટીનો બહિષ્કાર કરીને પોતાનો મૂડ સ્પષ્ટ કરી દીધો હતો. સરકાર મરાઠા સમાજની દિશાભૂલ કરતી હોવાનો આરોપ કરીને વિપક્ષે આ પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. શરદ પવાર જૂથની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કૉંગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ પાર્ટીમાં હાજર રહ્યા નહોતા. તેમણે ખેડૂતોની આત્મહત્યાની સમસ્યા નિવારવામાં પણ સરકાર નિષ્ફળ રહી હોવાનું કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો