આમચી મુંબઈટોપ ન્યૂઝ

પહેલા વરસાદે મહારાષ્ટ્રમાં આઠ જણના જીવ લીધા

મુંબઈઃ સિઝન કરતા પહેલા મુંબઈ અને મહારષ્ટ્રમાં આવેલા વરસાદ એક ઝાટકે પાલિકા સહિતના તંત્રોની પોલ ખોલી નાખી છે ત્યારે અલગ અલગ ઘટનાઓમાં આઠ જણનો ભોગ લેવાયો છે. દિવાલ પડવી, વીજળી પડવી, વૃક્ષો પડવા વગેરે ઘટનાઓમાં રાજ્યભરમાં આઠ જણા મૃત્યુ પામ્યા છે, જેમાં મુંબઈ, રાયગઢ અને અહિલ્યાનગરમાં એક એક અને પુણે અને જાલના જિલ્લાના અનુક્રમે ત્રણ અને બે વ્યક્તિનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારને જેમ બને તેમ જલદી વળતર આપવા અધિકારીઓને આદેશ કર્યો છે. આ સાથે નાશ પામેલા પાક સામે પણ વળતર આપવાની જાહેરાત કરી છે. જોકે આ બધા વચ્ચે દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રિ-મોન્સુન પ્રિપેરેશનના નામે કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની ફરી એક વાર સાબિતી મળી છે.

રાજ્ય સરકારે 18 એનડીઆરએફની ટીમ તહેનાત કરી છે. બીડ, સોલાપુર,જાલના, લાતુર વગેરેમાં વરસાદે ભારે તારાજી કરી હતી.

આપણ વાંચો:  મેટ્રો-4 લાઈનનું નિર્માણઃ થાણેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર

મુંબઈમાં પણ સોમવારે પડેલા દસ ઈંચ વરસાદે શહેરને પાણી પાણી કરી નાખ્યું હતું. દક્ષિણ મુંબઈમાં ખાસ ઠેરઠેર પાણી ભરાવાના અને રસ્તાઓ ધસી આવ્યાની ઘટનાઓ બની હતી. હાલમાં મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકાર હસ્તક હોવાથી રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે અને મુંબઈની એક જ દિવસના વરસાદમાં થયેલી કફોડી હાલતે સમગ્ર વ્યવસ્થાતંત્રની પોલ છત્તી કરી દીધી છે.

હજુ તો વરસાદી માહોલ શરૂ થયો છે. આજે પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રીતે જો પાણી ભરાતા રહે અને જનજીવન ખોરવાતું રહે તો તે શહેરની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button