કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ફેબ્રુઆરીમાં મુહૂર્ત
પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સુધીની એક લેન ખુલ્લી મુકાશે ક સવારના આઠથી રાતના આઠ સુધી ખુલ્લો રહેશે
(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાંકાક્ષી પ્રોેજેક્ટ ગણાતા કોસ્ટલ રોડમાં વરલીથી પ્રિન્સેસ સ્ટ્રીટ સુધીની એક લેન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ખુલ્લી મૂકવા માટે દિવસ-રાત એક કરવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ નવ ફેબ્રુઆરીના એક લેન ખુલ્લી મૂકવામાં આવશે અને ત્યારબાદ મે, ૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ કોસ્ટલ રોડ ખુલ્લો મુકવાની સરકારી યોજના છે. કોસ્ટલ રોડ પર ક્લાકના ૮૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપે વાહનો દોડશે. તો વાહનચાલકોનો ૭૦ ટકા સમય અને ૩૪ ટકા ઈંધણ બચાવનારો કોસ્ટલ રોડ ટોલ ફ્રી રહેશે. હાલ આ રોડ સવારના આઠથી રાત આઠ વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે.
મરીન ડ્રાઈવથી વરલી સુધી બની રહેલા ૧૦.૫૮ કિલોમીટર લંબા કોસ્ટલ રોડનો એક હિસ્સો નવ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી ખુલ્લો મૂકવાની પાલિકાની યોજના છે. જોકે આગામી સમયમાં ચૂંટણી યોજવાની હોવાથી કોસ્ટલ રોડનું શ્રેય લેવા માટે રાજ્ય સરકાર થનગની રહી છે. તેથી વરલી નાકા પાસે બિંદુ માધવ ચોકથી મરીન ડ્રાઈવ સુધીના નવ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડનું પહેલા ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યારબાદ તેને ખુલ્લો મુકવામાં આવશે એવું માનવામાં આવે છે. હાલ કોસ્ટલ રોડનું ૮૪ ટકા કામ પૂરું થયું છે. પૂરા પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી ૧૩,૯૮૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વાહનચાલકોનો ૭૦ ટકા સમય બચશે અને ૩૪ ટકા ઈંધણનો ખર્ચ બચશે.
સુધરાઈનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડનું બાંધકામ ઓક્ટોબર ૨૦૧૮થી ચાલુ થયું હતું. પરંતુ વરલીમાં કોલીવાડામાં માછીમારોના વિરોધને પગલે કામમાં વિલંબ થયો હતો. કોલીવાડા પાસે બાંદ્રા-સી લિંકથી જોડવામાં બે પીલરો વચ્ચેનું અંતર ૬૦ મીટરથી વધારીને ૧૬૦ મીટર કરવા માટે સ્થાનિક નાગરિકો આંદોલન કરી રહ્યા છે. પીલરનો વિાદ દૂર થયા બાદ કામ ઝડપથી ચાલુ થયું હતું. કોસ્ટલ રોડનું કામ મે, ૨૦૨૩માં પૂરું થવાનું હતું. પરંતુ હવે તે મે, ૨૦૨૪માં પૂરું થવાનું છે.
પાલિકાના ચીફ એન્જિનિયર (કોસ્ટલ રોડ) એમએમ સ્વામીના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં કોસ્ટલ રોડનો એક ભાગ ખુલ્લો મુકવામાં આવશે, જે વરલીથી મરીન ડ્રાઈવ તરફ આવશે. આ ચાર લેનનો ફ્રી વે છે, અને તેની લંબાઈ લગભગ સાત કિલોમીટરની છે. જ્યારે આગળ ૨.૦૭ કિલોમીટર લાંબી ટનલ છે, જેનો એક કિલોમીટર હિસ્સો મલબારહિલ ટેકરીની નીચેથી અને એક કિલોમીટરનો હિસ્સો દરિયાની અંદર બનાવવમાં આવ્યો છે. દેશમાં દરિયાની નીચે બનેલી આ સૌથી લાંબી ટનલ છે. કોસ્ટલ રોડનું કામ ૩૧ મે, ૨૦૨૪ સુધી પૂરું કરવાનું લક્ષ્ય છે. કોસ્ટલ રોડ ટોલ ફ્રી હશે, કારણકે આગળ બાંદ્રા સી લિંક પર પહેલાથી જ ટોલ વસૂલ કરવામાં આવી રહ્યો છે. કોસ્ટલ રોડ ભવિષ્યમાં મરીન ડ્રાઈવથી વરલીથી આગળ બાંદ્રા-વર્સોવા, વર્સોવાથી દહિસર અને મીરા-ભાયંદરથી આગળ વિરાર સુધી જશે.
કોસ્ટલ રોડમાં ભગવાકરણ?
આખો દેશ હાલ ભગવાન શ્રીરામમાં રંગાઈ ગયો છે ત્યારે કોસ્ટલ રોડ પણ તેમાંથી બચ્યો નથી. કોસ્ટલ રોડમાં બે અંડર ગ્રાઉન્ડ ટનલ બની રહી છે અને અંદર વાહનચાલકોને માહિતી આપવા માટે ઠેર ઠેર ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યા છે, ત્યારે રોડ હજી ખુલ્લો મુકાયો નથી એ પહેલા ડિજિટલ બોર્ડમાં હાલમાં જય શ્રી રામ લખેલું જોવા મળી રહ્યું છે. તેથી કોસ્ટલ રોડનું પણ ભગવાકરણ કરાયું હોવાનું જણાઈ રહ્યું છે.
સ્પીડ બ્રેક કરી તો દંડ ભરવો પડશે
ચીફ એન્જિનિયર સ્વામીના જણાવ્યા મુજબ કોસ્ટલ રોડ પર વાહનો કલાકના ૧૦૦ કિલોમીટરની ઝડપે દોડી શકે તે મુજબની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પીડની લિમિટ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. વાહનોની સ્પીડ પર નજર રાખવા માટે ટ્રાફિક મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ બેસાડવામાં આવશે. તેથી જો કોઈ સ્પીડ બ્રેક કરે છે તો તે કેમેરામાં ઝીલાઈ જશે. ટ્રાફિક પોલીસ વાહનચાલકોને દંડ ફટકારશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર ૧૦૦ મીટરના અંતર એક સીસીટીવી કેમેરા બેસાડાશે. આગ લાગે ત્યારે જાનહાનિ થાય નહીં તે માટે સકાર્ડો સિસ્ટમ બેસાડવામાં આવી છે, જેને કારણે ધુમાડો પોતાની મેળે ટનલમાંથી બહાર નીકળી જશે.
શિવડી ન્હાવા શેવા રોડ લિંક રોડ સાથે જોડાશે
ભવિષ્યમાં કોસ્ટલ રોડને શિવડી ન્હાવા શેવા લિંક રોડ સાથે જોડવામાં આવશે. શિવડી ન્હાવા-શેવા રોડથી પ્રભાદેવી પહોંચ્યા બાદ આ રોડ વરલીમાં આઈએનએસ ટ્રાટાથી કોસ્ટલ રોડથી જોડાઈ જશે. તેથી શિવડી ન્હાવા શેવા લિંક રોડથી આવનારા વાહનો કોસ્ટલ રોડથી બાંદ્રા અથવા દક્ષિણ મુંબઈ તરફ જઈ શકશે.