Kurla Accident: નોકરીનો પહેલો દિવસ જીવનનો અંતિમ દિવસ બન્યો, તો નાઈટશિફ્ટ..
મુંબઈઃ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભરબજારમાં બેસ્ટની બસ બેકાબૂ થતાં 7 જણે જીવ ખોયા છે તો 40થી વધારે લોકોને ઘાયલ કર્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકોને રૂ. 5 લાખનું વળતર જાહેર કર્યું છે અને ઈજગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે તેમ જણાવ્યું છે. જોકે જે છ જણના સ્વજનો આવા અકાળે આવેલા મોતને ભેટ્યા છે, તેમને સાંત્વના આપવા કોઈ પાસે શબ્દો નથી.
આફરીનનો નોકરીનો પહેલો દિવસ…
સોમવારે થયેલા અકસ્માતનો ભોગ 19 વર્ષની આફરીન શાહ પણ બની છે. આફરીને ગઈકાલે જ નોકરી જોઈન કરી હતી. નોકરીનો પહેલો દિવસ પૂરો કરી આફરીન ઘરે આવવા નીકળી હતી. ઘરે આવવા માટે તેને રિક્ષા મળી રહી ન હતી આથી પિતા અબ્દુલ સલીમને ફોન કર્યો હતો. સલીમે તેને રેલ્વે સ્ટેશન સુધી ચાલીને આવવા કહ્યું હતું. આફરીન એ હતભગીઓમાંની એક છે જે સ્ટેશન રોડ પર પગપાળા આવતી હતી અને બસ તેનાં પર ફરી વળી. થોડીવારમાં તેનાં પિતાને ફરી એક ફોન ગયો, પરંતુ તે આફરીનનો ન હતો, કોઈ અજાણ્યા વ્યક્તિનો હતો જેણે તાબડતોબ હૉસ્પિટલ પહૌંચવા કહ્યું હતું, જ્યાં પિતાએ દીકરીનો મૃતદેહ જોયો હતો.
નાઈટશિફ્ટ પરિવાર માટે હંમેશને માટે કાળી રાત બની ગઈ
55 વર્ષીય કનીસ અન્સારી પોતાના રોજના રૂટિન પ્રમાણે ઘરેથી તૈયાર થઈ નાઈટશિફ્ટ માટે નીકળ્યાં હતા. અન્સારી એક હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા અને સોમવારે નાઈટસિફ્ટ હોવાથી કામે જવા નીકળ્યા હતા. તેઓ હૉસ્પિટલે તો પહોંચ્યા, પરંતુ પોતાની નહીં બીજી હૉસ્પિટલે અને તે પણ મૃત અવસ્થામાં
Also Read – WATCH: Kurla accident: મૃત્યાંક છ થયો, ડ્રાયવર હતો કૉન્ટ્રાક્ટ પર, જૂઓ સીસીટીવી ફૂટેજ
બસના રિપોર્ટની રાહ
બસ ડ્રાયવર સંજય મોરેએ 1લી ડિસેમ્બરથી જ નોકરી જોઈન કરી હતી. બસ અચાનક એક રેસિડેન્શિયલ સોસાયટી તરફ ધસી અને રાહદારીઓ અને વાહનોને હડફટે લેતી ગઈ. બેસ્ટની આ ઈલેક્ટ્રિક બસમાં કોઈ ખામી હતી કે પછી તેની બ્રેક ફેલ થવાનું કહેવાય છે તે અંગેનો અહેવાલ હવે આવશે. નિષ્ણાતોએ બસની ચકાસણી કરી છે.
દરમિયાન ડ્રાયવરને પોલીસ કસ્ટડીમાં લઈ જવાયો છે અને તેના પર ઘણી કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે ડ્રાયવરને લઈ જતા પોલીસે ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તેને ઘેરી લીધો હતો અને તેને બહરા કાઢી માંડ લઈ જવામાં આવ્યો હતો.