બ્રાઝિલિયન ફળની વાવણી કરીને ખેડૂત થયો માલામાલ, જાણીએ સક્સેસ સ્ટોરી?
મુંબઈ: ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં આજની તારીખે પણ ખેડૂતો વિદેશી પાકની વાવણી કરવાનું ચૂકતા નથી. પાકપાણી સુધી તો ઠીક હવે તો વિદેશી ફળોની વાવણી કરીને પણ ખેડૂતો માલામાલ થઈ રહ્યા છે અને એનું જીવતા જાગતું ઉદાહરણ છે ઈંદાપુર તાલુકાનો ખેડૂત.
મહારાષ્ટ્રના એક ખેડૂતે પારંપારિક પાકને બદલે બ્રાઝિલિયન ફળ પૈશન ફ્રૂટની ખેતી કરવાનો વિચાર કર્યો અને તેનું ભાગ્ય ચમકી ગયું હતું. પૈશન ફ્રૂટની ખેતીના પાક લીધા પછી નફો પણ પુષ્કળ મળી રહ્યો છે. વાત કરીએ મહારાષ્ટ્રના ઇંદાપુર તાલુકાના કચરવાડી ગામમાં રહેતા પાંડુરંગ બરલ નામના ખેડૂતની.
પાંડુરંગ બરલ અનેક વર્ષોથી ખેતી કરી રહ્યા છે, તેમના ખેતરમાં શાકભાજી, દાડમ, જાંબુ, સીતાફળ, પપૈયા જેવા ફળોની ખેતી કરતાં હતા. પણ આ સામાન્ય પાકથી ખૂબ જ ઓછો નફો થતો હતો. સામાન્ય પાકમાં ઓછો નફો મળતા પાંડુરંગ બરલે યુટ્યુબ પર ખેતીવાડી સંબંધિત નવી નવી પદ્ધતિના વીડિયો જોવાનું શરૂ કર્યું, જેમાં તેમને રાજસ્થાના એક ખેડૂતને બ્રાઝિલિયન ફળ પૈશન ફ્રૂટની ખેતી કર્યા બાદ સૌથી વધુ નફો મળ્યો હોવાની માહિતી મળી હતી. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે ખેડૂતે રાજસ્થાનના આ ખેડૂતની પણ મુલાકાત લીધી હતી.
પાંડુરંગ બરલે પૈશન ફ્રૂટ બાબતે બધી માહિતી મેળવ્યા બાદ તેમણે આ ફળની ખેતી કરવાનું નક્કી કર્યું. બરલે પૈશન ફ્રૂટ માટે લાગતું જરૂરી ખાતર અને દવાઓ લાવી પોતના ઘરમાં બિયારણની મદદથી આ ફળના છોડ ઉગાડ્યા હતા. ત્યારબાદ તેને પોતાના ખેતરમાં એક એકરની જમીનમાં વાવ્યા હતા. ચાર મહિનામાં આ છોડ મોટા થતાં તેના પર ફળો આવ્યા હતા. બ્રાઝિલિયન ફળોનો પુષ્કળ પાક મળ્યા પછી મુંબઈ અને પુણેના બજારમાં વેચવા લાવ્યા હતા. આ બજારોમાં પૈશન ફ્રૂટને 130થી 150 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળતા નોંધપાત્ર આવક મળી હતી.
પાંડુરંગ બરલેના જણાવ્યા મુજબ તેમણે પૈશન ફ્રૂટને વેચીને અત્યારસુધી ચાર લાખ રૂપિયાનો નફો કમાવ્યો છે. પૈશન ફ્રૂટ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓને ઘટાડવા અસરકારક સાબિત થાય છે. લીલા (ગ્રીન) રંગનું આ ફળને મોટા મોલ્સ અને વેબસાઇટ પર 250 રૂપિયામાં વેચવામાં આવી રહ્યા હોવાની માહિતી પાંડુરંગ બરલે આપી હતી.