મુંબઈને બાદ કરતા સમગ્ર રાજ્ય ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયા બાદ ઠંડી અચાનક ગાયબ થઈ છે તો વિદર્ભ સહિત સમગ્ર રાજ્ય ટાઢુંબોળ થઈ ગયું છે. વિદર્ભના યવતમાળમાં સૌથી વધુ ઠંડી રહી હતી અને લઘુતમ તાપમાનનો પારો ૯.૦ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આગામી બે દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો હજી નીચે ઉતરે એવી શક્યતા છે. દક્ષિણ કોંકણ પરિસરમાં ચક્રવાત સ્થિતિ તૈયાર થઈ હોવાથી મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાદળિયું જણાઈ રહ્યું છે. વાદળિયા વાતવરણ વચ્ચે મુંબઈમાંથી અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે. મુંબઈમાં ગયા અઠવાડિયામાં બે દિવસ લઘુતમ તાપમાનનો પારો
૧૯.૪૭ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જોકે અચાનક બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો ફરી ૨૩થી ૨૪ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો હોવાથી ગરમી જણાઈ રહી છે. તો મુંબઈને બાદ કરતા સમગ્ર રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે.
ઉત્તર ભારતમાં કાશ્મીર, લેહ, લદાખ વિસ્તારમાં હિમવૃષ્ટિ થઈ છે. ઉત્તર તરફથી મહારાષ્ટ્ર તરફ ઠંડા પવનો ધીમી ગતિએ ફૂંકાઈ રહ્યા છે, તેથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારતમાં વધેલી ઠંડીની અસર મહારાષ્ટ્રને થઈ રહી છે. મંગળવારે દિવસ દરમિયાન વિદર્ભના મોટાભાગના જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો નવથી ૧૩ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. વિદર્ભનું યવતમાળ મંગળવારે રાજ્યમાં નવ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડો વિસ્તાર રહ્યો હતો. તો રાજ્યની ઉપરાજધાની નાગપૂરમાં ૯.૪ ડિગ્રી, ચંદ્રપૂરમાં ૧૧.૦, વર્ધામાં ૧૧.૪ ડિગ્રી, બ્રહ્મપૂરીમાં ૧૧.૪ ડિગ્રી, અમરાવતીમાં ૧૨.૫ ડિગ્રી, બુલઢાણામાં ૧૨.૮ ડિગ્રી અને અકોલામાં ૧૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મધ્ય મહારાષ્ટ્રમાં આવેલા હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૨.૬ ડિગ્રી, નાશિકમાં ૧૪.૦, જળગાંવમાં ૧૪.૪ ડિગ્રી, પુણેમાં ૧૫.૨ ડિગ્રી, જેરુરમાં ૧૫ ડિગ્રી અને મરાઠવાડના પરભણીમાં ૧૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જયારે મુંબઈમાં સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૨૩.૭ ડિગ્રી અને કોલાબામાં ૨૪.૪ ડિગ્રી નોંધાયું હતું.