ખોરંભાયેલો લોઅર પરેલ પુલ નવેમ્બરમાં ખૂલશે
મુંબઈ: લોઅર પરેલ ફ્લાયઓવર (ડિલાઈલ રોડ બ્રિજ) નવેમ્બરમાં પૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લો મુકવામાં આવશે. ફ્લાયઓવર પરના પશ્ચિમથી પૂર્વ દિશામાં જનારી ત્રણ લેનનું કામ અંતિમ તબક્કામાં છે જેની નોંધ ગુરુવારે મુંબઈ મહાપાલિકા દ્વારા લેવામાં આવી હતી. આ ફ્લાયઓવર માટે નિયુક્ત સલાહકાર પાસેથી પ્રમાણપત્ર મળી ગયા પછી દિવાળીના દિવસો દરમિયાન બાકીની ત્રણ લેન શરૂ કરી દેવામાં આવશે એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. જોખમી હોવાથી ૨૪ જુલાઈ, ૨૦૧૮થી લોઅર પરેલનો ફ્લાયઓવર સમારકામ કરવા વાહનો અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો
હતો. ત્યારબાદ આ પુલનું કામ કરનારા મુંબઈ મહાનગરપાલિકા અને પશ્ચિમ રેલવે પાસેથી ૨૦૧૯માં રેલવે પરિસરમાં આવેલા પુલના હિસ્સાના તોડકામની શરૂઆત કરવામાં આવી હતી. પુલ પર પહેલું ગર્ડર બેસાડવાનું કામ જૂન ૨૦૨૨માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. બીજું ગર્ડર ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના દિવસે બેસાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે પહેલી જૂનથી લોઅર પરેલના પશ્ચિમ ભાગના સેનાપતિ બાપટ માર્ગ જંક્શનથી પેનીન્સુલા કોર્પોરેટ પાર્ક સુધી અને આગળ રેલવે સુધીનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.