રિક્ષા યુનિયનની માંગણી લઘુતમ ભાડું બે રૂપિયા વધારીને પચીસ કરો
મુંબઈ: ઓટોરિક્ષા યુનિયને રાજ્ય સરકારને ૩૧મી ડિસેમ્બર સુધીમાં મુંબઈમાં રિક્ષાના ભાડામાં રૂ. બેનો વધારો કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. યુનિયન ઇચ્છે કે ઉપનગરોમાં દોડતી રિક્ષાનું લઘુતમ ભાડું રૂ. ૨૩થી વધારીને રૂ. ૨૫ કરવામાં આવે.
મુંબઈ રિક્ષામેન યુનિયનના નેતા થમ્પી કુરિયને આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમણે રાજ્યના મુખ્ય સચિવને ૩૧મી ડિસેમ્બર સુધીમાં ભાડામાં વધારાની પ્રપોઝલ પર વિચાર કરવા વિનંતી કરી છે. જો એમ નહીં થાય તો યુનિયન મુંબઈ હાઈ કોર્ટનાં પગથિયાં ચડશે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, પણ એ વાજબી નહોતો. રૂ. ૨૧થી વધારીને રૂ. ૨૩નું લઘુતમ ભાડું કરવામાં આવ્યું હતું, પણ એ અમારા વધતા ખર્ચને આવરી લેવા માટે પૂરતો નહોતો. કુરિયને આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે યુનિયન દ્વારા ભાડાવધારાની ગણતરી ખટુઆ સમિતિના ભાડાના સૂત્રના આધારે કરવામાં આવી છે. અમારી ગણતરી પ્રમાણે અમે તેનો અહેવાલ પરિવહન સચિવને રજૂ કર્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાડામાં આશરે રૂ. બેનો વધારો થવો જોઇએ.