‘ડીપ ક્લીન’ ઝુંબેશ પણ કામ ના આવી સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ સ્થાન મેળવવામાં પાલિકા નિષ્ફળ
પાલિકાની કચરાનું વર્ગીકરણ યોજના પણ નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, છતાં ‘સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩’માં ઉચ્ચ સ્થાન મેળવવામાં મુંબઈ નિષ્ફળ રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૩૦ની સાલ સુધીમાં ‘શૂન્ય-કચરો’નું લક્ષ્યાંક રાખ્યું છે. જોકે પાલિકા મુંબઈમાં સૂકા અને ભીના કચરાનું ૧૦૦ ટકા વર્ગીકરણ કરવામાં નિષ્ફળ રહી છે. કોવિડ મહામારી દરમિયાન અનેક હાઉસિંગ સોસાયટીમાં કચરાના વર્ગીકરણ અને કચરા પર પ્રક્રિયા કરનારા યુનિટ બંધ થઈ ગયા છે. ઓછું હોય તેમ મુંબઈના ૬૦ ટકા વસતી રહે છે તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છ અભિયાન હેઠળ સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ રહ્યું છે. તે માટે પાલિકાની ઉદાસીનતા અને આયોજનમાં અભાવને જવાબદાર માનવામાં આવે છે.
‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩’માં મુંબઈનો નંબર ૩૭માંથી ૩૧ પર આવી ગયો છે. મુંબઈમાં મોટા પાયા પર હાથ ધરવામાં આવતી સ્વચ્છતા ઝુંબેશ પણ મુંબઈને સ્વચ્છ રાખવામાં કામ નથી આવી. તો કચરાના વર્ગીકરણમાં અને કચરા પર પ્રક્રિયા કરવામાં પણ મુંબઈ પાછળ રહ્યું છે. ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવતા કચરાનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસમાં પણ પાલિકા સફળ થઈ શક્યું નથી.
૨૦,૦૦૦ સ્કવેર મીટરથી મોટી જગ્યા ધરાવતી હાઉસિંગ સોસાયટી અને કર્મશિયલ એસ્ટાબ્લિશમેન્ટ અથવા દરરોજ ૧૦૦ કિલો કરતા વધુ કચરાનું ઉત્પાદન કરનારા બ્લક જનરેટરોને કોવિડ મહામારી બાદ કચરાનું વર્ગીકરણ કરાવવામાં અને તેમના પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરવાનું અમલ કરાવવામાં પાલિકા નિષ્ફળ રહી છે. હાલમાં ૫૦ ટકા કરતા પણ ઓછા બલ્ક જનરેટર નિયમોનું પાલન કરી રહ્યા હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. તો બીજી તરફ હાઉસિંગ સોસાયટીમાં સૂકો અને ભીનો કચરો અલગ કર્યા બાદ પણ તેને પાલિકાની ગાડીમાં ભેગો કરીને જ લાવવામાં આવે છે અને તેને કારણે કચરાના વર્ગીકરણની પૂરી મહેનત પાણીમાં જઈ રહી હોવાની નારાજગી નાગરિકો અને ભૂતપૂર્વ નગરસેવકો પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
ત્રણ-ચાર મહિનામાં કાયદામાં ફેરફાર કરાશે
ઝૂંપડપટ્ટીમાં સ્વચ્છતા જાળવી રાખવામાં પાલિકાનું સ્વચ્છતા અભિયાન પણ નિષ્ફળ ગયું છે. ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાં સફાઈ માટે નવી પદ્ધતિ દાખલ કરવાની યોજના બનાવી છે. જેને આવતા મહિનાથી અમલમાં મૂકવામાં આવવાની છે. મુંબઈની ૬૦ ટકા વસતી ઝૂંપડપટ્ટીમાં ગીચ વસતીમાં રહે છે. અમે મુંબઈના તમામ ૨૫ વોર્ડમાં એક એજેન્સીની નિમણૂક કરવાના છીએ, જે સ્વચ્છતા માટે લોકોના ઘરે-ઘરે જઈને જાગૃતિ ફેલાવશે. અમારા અધિકારીઓની ટીમ ઈંદોર પેટર્નનો અભ્યાસ કરવા માટે પણ જશે. બલ્ક જનરેટરો કચરો અલગ-અલગ કરવામાં અને તેના પર પ્રક્રિયા કરવામાં નિષ્ફળ જશે તો તેમને દંડનો સામનો કરવો પશે અને તે માટે આગામી ત્રણ-ચાર મહિનામાં કાયદામાં ફેરફાર કરવામાં આવવાનો છે.