આમચી મુંબઈ

મલબાર હિલના રહેવાસીઓના આક્રોશ બાદ હેંગિંગ ગાર્ડન સાત વર્ષ માટે બંધ રાખવાનો નિર્ણય મુલતવી

ટાસ્ક ફોર્સ રચીને જળાશય માટે અન્ય જગ્યા પસંદ કરાશે

હરેશ કંકુવાલા
મુંબઈ: મુંબઈના પોશ વિસ્તાર મલબાર હિલમાં આવેલા હેંગિંગ ગાર્ડનને સાત વર્ષ માટે બંધ કરવાના પાલિકાના નિર્ણય સામે મલબાર હિલના રહેવાસીઓએ બાયો ચઢાવ્યા બાદ હાલ પૂરતો આ નિર્ણય મુલતવી રખાયો છે. આ અંગેના સમાચાર વહેતા થતા જ રહેવાસીઓએ એકત્રિત થઇને તાત્કાલિક હેંગિંગ ગાર્ડન બંધ કરવાના નિર્ણયના વિરોધમાં પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં સકારાત્મક નિર્ણય લઇ ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લેવાયો હોવાનું સ્થાનિક રહેવાસી પરવીન સંઘવીએ જણાવ્યું હતું.

હેંગિંગ ગાર્ડનને બંધ કરવાના નિર્ણય સામેના મલબાર હિલના રહેવાસીઓના આંદોલનમાં અભિનેત્રી જુહી ચાવલા પણ જોડાઇ હતી. પાલિકાના અધિકારીઓ સાથેની બેઠકમાં જુહી પણ સામેલ થઇ હતી અને જળાશયને અન્ય ખસેડવા તથા વૃક્ષોની કાપણીનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની દરખાસ્ત કરી હતી.

મલબાર હિલ પરના ટેરેસ ગાર્ડન એટલે કે હેંગિંગ ગાર્ડનની નીચે જળાશયની પુનર્બાંધણી કરવાનું કામ રૂ. ૬૯૮ કરોડના ખર્ચે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર હતું. જળાશયના સમારકામ અને વિસ્તાર માટે હેંગિંગ ગાર્ડનમાં પણ ખોદકામ કરવાની જરૂર હતી. સાત વર્ષના સમયગાળા દરમિયાન જળાશય તોડીને તેની પુનર્બાંધણી કરવાની યોજના હતી, એવી માહિતી પાલિકાના એડિશનલ કમિશનર પી. વેલારાસુએ આપી હતી. આ કામ નવેમ્બર, ૨૦૨૩થી શરૂ કરવામાં આવનાર હતું, પરંતુ મલબાર હિલના રહેવાસીઓએ આ નિર્ણય સામે વિરોધ નોંધાવીને પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

જળાશયને અન્ય જગ્યાએ ખસેડવા અથવા તેનું કામ અન્ય જગ્યાએથી કરવા માટે રહેવાસીઓ દ્વારા હવે ટાસ્ક ફોર્સ રચવાનું નનક્કી કરાયું છે જેમાં સાત સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ટેક્નિકલ બાબત હોવાથી તેમાં નિષ્ણાતોની પણ જરૂર પડશે તેથી શહેરના અન્ય નાગરિકો-નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો લેવામાં આવશે. નિષ્ણાતોને આ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવાની જરૂર છે, એવી માહિતી સ્થાનિક રહેવાસી પરવીન સંઘવીએ આપી હતી.

આ બેઠકમાં જુહી ચાવલાએ સંબંધિત અધિકારીઓને કહ્યું હતું કે જળાશય માટે ગાર્ડન બંધ ન થવું જોઇએ, કારણ કે આ એક હેરિટેજ સાઇટ છે તથા આ કામ માટે કાપવામાં આવનારા ૩૦૦થી વધુ વૃક્ષ પર જે ટેગ લગાવવામાં આવ્યા છે તે તાત્કાલિક દૂર થવા જોઇએ, એમ સ્થાનિક રહેવાસી પ્રકાશભાઇ મુનશીએ જણાવ્યું હતું.

બેઠકમાં આ પ્રકલ્પને મહાલક્ષ્મી રેસકોર્સની અને કોસ્ટલ રોડના બાંધકામ વચ્ચે જે ખાલી જગ્યા પડી છે ત્યાં ખસેડવાની પણ ભલામણ કરાઇ હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મલબાર હિલ જળાશય ફિરોઝશાહ મેહતા ગાર્ડન (હેંગિંગ ગાર્ડન) વિસ્તારમાં આવેલું હોઈ એમાંથી ગ્રાન્ટ રોડ, તાડદેવ, ગિરગાંવ, ચંદનવાડી, મંત્રાલય, ચર્ચગેટ અને સીએસએમટીના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો કરવામાં આવે છે. ૧૮૮૭માં બાંધવામાં આવેલું આ જળાશય સવાસો વર્ષ કરતાં વધુ સમય સુધી લોકોને પાણી પૂરું પાડ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button