‘ઇન્ડિયા’માં બેઠકોની વહેંચણી અંગેની મડાગાંઠ ઉકેલાઇ
મુંબઈ: આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને હરાવવા માટે વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી યુતિમાં સૌથી મોટી સમસ્યા હતી બેઠકોની વહેંચણીની. જોકે વિપક્ષોના જોડાણ ‘ઇન્ડિયા’માં બેઠકોની વહેંચણીનો મુદ્દો હવે ઉકેલાઇ ગયો છે અને સર્વ પક્ષોએ સંમતિથી બેઠકોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય લીધો છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ), કૉંગ્રેસ અને પ્રકાશ આંબેડકરના પક્ષ વચ્ચે બેઠકોની વહેંચણી વિશે નિર્ણય લેવાઇ ગયો છે.
મળેલી જાણકારી મુજબ મહારાષ્ટ્રની લોકસભાની ૪૮ બેઠકોમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના ૨૦ બેઠકો પરથી, કૉંગ્રેસ ૧૫ બેઠકો પરથી, એનસીપી ૧૦ બેઠકો પરથી અને પ્રકાશ આંબેડકરનો પક્ષ બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે.
છેલ્લાં અનેક દિવસોથી બેઠકોની વહેંચણી માટે વિપક્ષો વારંવાર બેઠકો કરી રહ્યા હતા. જોકે, આખરે આ બેઠકોમાં થતી ચર્ચાનો અંત આવ્યો છે અને વિપક્ષના ઘટક પક્ષોએ બેઠકોની વહેંચણી માટે સર્વસંમતિએ નિર્ણય લીધો છે.
એક બાજુ વિપક્ષના જોડાણને પશ્ર્ચિમ બંગાળ અને બિહારમાં મમતા બેનર્જી અને નીતિશ કુમારે છેડો ફાડી નાંખતા મોટો ફટકો પડ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં વિપક્ષ બેઠકોની વહેંચણીના મામલે એકજૂથ થઇને નિર્ણય લઇ શક્યો છે, તે એક સકારાત્મક વાત ગણાઇ રહી છે.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા આમ આદમી પાર્ટીએ પણ ‘ઇન્ડિયા’ને મોટો ઝાટકો આપ્યો હતો.