આમચી મુંબઈમહારાષ્ટ્ર

મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ તાપમાનનો પારો ૧૬.૧ ડિગ્રી, પ્રજાસત્તાક દિન બાદ ઠંડીનું જોર ઘટશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રવિવારની સવાર મુંબઈમાં એકદમ ઠંડી રહી હતી. વહેલી સવારે મેરેથોનમાં ભાગ લેવા ગયેલા મુંબઈગરા થીજી ગયા હતા. રવિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬.૧ ડિગ્રી નોંઘાયો હતો. એ સાથે જ રવિવારનો દિવસ શિયાળાની મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આ અગાઉ ગયા અઠવાડિયામાં ૧૬ જાન્યુઆરીએ મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં રહી હતી. અહીં લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી નોંધાયું હતું.

મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી ફરી શિયાળાની ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને સાંજ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં રવિવારે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો હતો અને સાંતાક્રુઝમાં ૧૬.૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. રવિવારે કોલાબામાં લઘુતમ તાપમાન ૧૯.૮ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૨૮.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૨૮.૭ ડિગ્રી નોંધાયું હતું.

મુંબઈ સહિત રાજ્યમાં એક તરફ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે. અનેક જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ૧૦થી ૧૫ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦.૨ ડિગ્રી નોંધાયો હતો. નાશિકમાં ૧૨.૦ ડિગ્રી, માલેગાંવમાં ૧૩.૮ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર અને સતારામાં ૧૪.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો મરાઠવાડા રિજનમાં ઔરંગાબાદમાં ૧૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ મુંબઈ સહિત રાજ્યમાં હાલ બરોબરનો શિયાળો જામ્યો છે. મુંબઈમાં ઠંડી વધવાનું કારણ ઉત્તર-પશ્ર્ચિમી પવનો છે. ઉત્તર ભારતમાં હાલ જબરદસ્ત ઠંડી પડી રહી છે. તેની અસર સમગ્ર રાજ્યને વર્તાઈ રહી છે. આગામી થોડા દિવસ ઠંડીનું જોર રહેવાની શક્યતા છે.

જોકે હવામાન ખાતાના રેકોર્ડ મુજબ છેલ્લાં થોડા વર્ષોમાં જાન્યુઆરી મહિનામાં રવિવારે નોંધાયેલા ૧૬.૧ ડિગ્રી તાપમાન કરતા પણ નીચું તાપમાન નોંધાયું છે, જેમાં ગયા વર્ષે ૧૫ જાન્યુઆરીએ સૌથી નીચું લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયું હતું. તો એ અગાઉ ૨૦૨૨માં ૧૦ જાન્યુઆરીના ૧૩.૨ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન ખાતાના નિષ્ણાતોના કહેવા મુજબ જોકે આવી ઠંડી હજી અઠવાડિયા સુધી રહેવાની શક્યતા છે. ૨૬ જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ઘટવાનું ચાલુ થશે.

એક તરફ મુંબઈ સહિત રાજ્ય ટાઢુંબોળ થઈ ગયું છે. તો બીજી તરફ રાજ્યના અમુક જિલ્લામાં ફરી એક વખત કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. વિદર્ભના અમુક જિલ્લામાં આગામી દિવસમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button