આમચી મુંબઈ

ખ્રિસ્તી સમુદાય માનવા જ તૈયાર નથી કે મોરિસે ગોળી મારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાળાસાહેબની શિવસેનાના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકરની પોતાની બોરીવલીમાં આવેલી એમએચબી ખાતે આવેલી ઓફિસમાં બોલાવી હત્યા કરનારા મોરિસ નોરાન્હા પોતાને એક સમાજસેવક ગણાવતો હતો. કોરોનાકાળ વખતે તેણે અનેક સમાજસેવાના કામ કરીને સ્થાનિક લોકો તેમ જ પોતાના સમુદાયમાં ઓળખ મેળવી હતી અને તેના બળે જ પોતે રાજકારણમાં પા પા પગલી કરવાની તૈયારીમાં હતો.

જોકે, જે રીતે ઉદ્ધવ ઠાકરેએ આ હત્યાકાંડ વિશે અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત કર્યા છે એ જ રીતે બોરીવલીના એમએચબી કોલોની અને આઇસી કોલોની જેવા વિસ્તારો જે ખ્રિસ્તીઓની સારી એવી વસતિ ધરાવે છે, ત્યાંનો સમુદાય પણ આ હત્યાકાંડમાં કંઇક દાળમાં કાળું હોવાની શંકા સેવી રહ્યો છે. હાલ પોલીસ તપાસ શરૂ છે અને બધા જ પાસાઓને ચકાસવામાં આવી રહ્યા છે ત્યારે આખા મુંબઈને હચમચાવી નાખનારા આ હત્યાકાંડ વિશે સામાન્ય નાગરિક પોતાના તર્ક અને વિતર્ક કરી રહ્યા છે, એવું જણાઇ રહ્યું છે. ખાસ કરીને એ લોકો, જે અભિષેક કે પછી મોરિસને વ્યક્તિગત રીતે જાણતા હતા.

‘મુંબઈ સમાચાર’ દ્વારા મોરિસને ઓળખનારા અમુક લોકો સાથે વાતચીત કરીને તેનો સમુદાય આ ઘટના વિશે શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

બોરીવલીના સાંઇબાબા નગરમાં રહેતા અને મોરિસને નજીકથી જાણતા તેના મિત્રએ જણાવ્યું હતું કે મોરિસ ખૂબ જ ખુશમિજાજ વ્યક્તિ હતો અને હંમેશાં આનંદમાં રહેવાનું પસંદ કરતો. તેણે આ પ્રકારનું પગલું લીધું હોય તે વિચારવું મુશ્કેલ છે. હજી થોડા દિવસ પહેલા જ તેની સાથે મુલાકાત થઇ ત્યારે તેના મગજમાં આવું કંઇક ચાલતું હોય એ કળી શકાય તેવું ન હતું.

મોરિસના વધુ એક જાણીતા તેના સમુદાયના મર્ચન્ટ નેવીમાં કાર્યરત વ્યક્તિએ જણાવ્યું હતું કે જે કંઇ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. કોણ સાચું અને કોણ ખોટું તે આપણાથી કહી ન શકાય. મોરિસ ગોડમાં ખૂબ માનતો હતો. પણ આજના જમાનામાં લોકોના મનમાં શું ચાલે છે અને ભગવાનનો માણસ પણ ક્યારે ખોટું પગલું લઇ લે તે કહી ન શકાય. અમે ફક્ત એટલું જ કહી શકીએ કે પોલીસ તેનું કામ કરે, કાયદો તેનું કામ કરે અને જે પણ સાચું હોય તે સામે આવે. ખરેખર મોરિસે આત્મહત્યા કરી અને હત્યા કરી કે પછી આ બધા પાછળ અન્ય કોઇનો હાથ છે. અને જો મોરિસે જ આ હિચકારું કૃત્ય કર્યું હોય, તો ગોડ તેને એ રીતની સજા આપશે.

એક બાજુ પોલીસ તરફથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે ત્યાં બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું એ પ્રકારની કોન્સ્પિરસી થિયરીસ શરૂ છે અને લોકો પોતાની રીતે મંતવ્યો રજૂ કરી રહ્યા છે.

ઘોસાળકરની હત્યાનું રાજકારણ ન કરો: શિંદે
મુંબઈ: ઉદ્ધવ જૂથની શિવસેનાના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકરની થયેલી હત્યા વિશે પોતાની પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે દહીંસર ખાતે અભિષેક ઘોસાળકર ઉપર થયેલા ગોળીબારની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ વિશે તપાસ શરૂ છે અને હત્યા પાછળનું કારણ તેમ જ આરોપીને શોધીને તેની ધરપકડ કરવામાં આવશે.
આ પ્રકરણમાં કોઇને પણ બક્ષવામાં નહીં આવે અને આ મામલે કોઇ પ્રકારનું રાજકારણ ન થવુ જોઇએ, એમ શિંદેએ જણાવ્યું હતું. મહાવિકાસ આઘાડીની સરકાર મહારાષ્ટ્રમાં હતી ત્યારે થયેલા હત્યાકાંડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે સાધુ હત્યાકાંડ, દિશા સાલિયાન અને સુશાંત રાજપૂતનું મૃત્યુ આ બધું થયું ત્યારે મહારાષ્ટ્ર બિહાર નહોતું બન્યું? આમ કહી શિંદેએ વિપક્ષને વળતો જવાબ આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button