કાંદાના ભાવમાં થતી વધઘટનો તાગ મેળવવા કેન્દ્રીય ટીમે નાશિકમાં જઇને સર્વે કર્યો
ખેડૂતોની વ્યથા જાણીને કેન્દ્રને અહેવાલ મોકલવામાં આવશે
નાશિક: હેક્ટરના લાખ રૂપિયા ખર્ચ કરીને કાંદાની ખેતી કરવાની, પણ કાંદાનું ઉત્પાદન થતું ન હોવાથી હાથમાં એક રૂપિયો કમાવવો પણ મુશ્કેલ થઇ ગયો છે. એવામાં દુકાળની પરિસ્થિતિને કારણે પાક મેળવવો મુશ્કેલ થઇ જતાં સરકારે ખેડૂતોને સહાય કરી એવી માગણી નાશિકના ખેડૂતોએ કરીને કેન્દ્રીય ટીમની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
દેશ અંતર્ગત કાંદાની માગણી અને તેની સરખામણીમાં ઓછો થઇ રહેલો પુરવઠો તેમ જ તેના ભાવ સતત ચઢ-ઊતર થતા હોવાનું ખરું કારણ શું છે? આ અંગેની શોધ કરવા માટે નાશિકના ચાંદવડ તાલુકાના દુગાંવ ખાતે કેન્દ્રીય ટીમે સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન ટીમ સીધી ખેડૂતના ખેતરમાં ગઇ હતી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેન્દ્ર સરકારના કાંદા વિરોધી ધોરણને કારણે કાંદાના ઉત્પાદકો નિરાશ થઇ ગયા છે. નાફેડ, એનસીસીએફ મારફતે ખરીદી કરેલા કાંદા એ ખેડૂતોના નહીં પણ વેપારીઓના છે. કાંદાના સંગ્રહ માટે ખેડૂતોને સબસિડી આપવાની માગણીથી લઇને દુકાળની પરિસ્થિતિ સમયે થતી વ્યથાની બાજુ કાંદા ઉત્પાદકોએ કેન્દ્રીય ટીમ સમક્ષ મૂકી હતી.
કાંદાની હાલની પરિસ્થિતિ અતિ ગંભીર હોઇ કેન્દ્ર સરકારે ખેડૂતો તરફ ધ્યાન આપવું જોઇએ. દુકાળની પરિસ્થિતિ દૂર કરવાની ખેડૂતોએ કેન્દ્રને વિનંતી કરી હતી. આજે અનેક ઠેકાણે દુકાળની પરિસ્થિતિ ઊભી થઇ છે અને ખેડૂતોએ ટેન્કરથી પાણી મગાવવું એવી હાલત છે.
વરસાદ પણ અપૂરતો થવાને કારણે કાંદાના પાકને નુકસાન થતું હોવાથી કાંદાના ભાવમાં ચઢ-ઊતર થતી રહેતી હોય છે, જેનો ફટકો ખેડૂતોએ સહન કરવો પડે છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ વિભાગના ડિરેક્ટર સુભાષચંદ્ર મીના અને કૃષિ મંત્રાલયના જોઇન્ટ કમિશનર બી. કે. પોષ્ટી સહિત હાજર અધિકારીઓએ ખેડૂતોની તમામ વ્યથા જાણીને કેન્દ્રને અહેવાલ મોકલવામાં આવશે, એવું જણાવ્યું હતું.