એરપોર્ટ નજીકનો પુલ થઇ ગયો તૈયાર
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક થશે હળવો
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતાં-જતાં વાહનોને કારણે થતા ટ્રાફિક જામને ટાળવા માટે ઊભા કરવામાં આવેલા ૭૯૦ મીટર લંબાઈનો ફ્લાયઓવર બંધાઈને તૈયાર થઇ ગયો છે. નજીકના સમયમાંજ ફ્લાયઓવરને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાથી ટર્મિનલ ટુમાંથી બાંદ્રા તરફ જવાનું હવે આસાન થઇ જશે.
મુંબઈના એરપોર્ટમાં બે ટર્મિનલ બિલ્ડિંગ છે. ટર્મિનલ એકની બિલ્ડિંગ પશ્ર્ચિમ એક્સપ્રેસ હાઈવે તરફ હોઈ બીજી બિલ્ડિંગ અંધેરી-ઘાટકોપર માર્ગ પર છે. જોકે આ બંને ટર્મિનલ તરફ આવતાં કે જતાં વાહાનો અંધેરીથી વિલે પાર્લા દરમિયાનના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરે છે. અહીં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જુહૂ-વિલે પાર્લાને જોડતો ફ્લાયઓવર પણ છે. જોકે એમ છતાં ટર્મિનલ ૧ નજીક ફ્લાયઓવર નીચેના ચોક પરના સિગ્નલ પર કાયમી રીતે વાહનોની લાંબી લાઈન લાગતી હોય છે. આ ટ્રાફિક મુખ્ય રીતે ટર્મિનલ ૧ તરફ અને વિલે પાર્લા સ્ટેશનની દિશા તરફ જનારાં વાહનોનો હોય છે. એમએમઆરડીએએ ખાસ ફ્લાયઓવર બનાવ્યો હોઇ આ પ્રોજેક્ટ બંધાઈને તૈયાર થઇ ગયો છે.
૭૯૦ મીટરની લંબાઈ (૫૦૦ મીટર પુલ અને ૨૯૦ મીટરને જોડતો રસ્તો)નો અને ૮ મીટર પહોળો આ ફ્લાયઓવર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માર્ગ પર જુહૂ-વિલે પાર્લા ફ્લાયઓવરને સમાંતર નંદગિરિ અતિથિગૃહથી ભાજીવાડી ખાતે સાંઈબાબા મંદિર સુધીનો ટુ-વે સિંગલ્સ માર્ગનો છે. ટર્મિનલ બેમાંથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવતાં વાહનો આ ફ્લાયઓવરનો ઉપયોગ કરીને સીધા એરપોર્ટ ટર્મિનલ ૧ને પાર કરીને આગળ જઇ શકે છે. આને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવ પરના વિલે પાર્લા ચોકનો ટ્રાફિક જામ હળવો થવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત એરપોર્ટથી દક્ષિણ મુંબઈ તરફના ટ્રાફિક પણ ઓછો થવામાં શક્ય બનશે, એવું એમએમઆરડીએનાં સૂત્રોએ જણાવ્યું હતું.