ઘાટકોપર રેલવે અને મેટ્રો સ્ટેશનને જોડતો પુલ ૨૫ તારીખે ખૂલ્લો મુકાશે
મુંબઈ: મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)એ ઘાટકોપર રેલવે અને મેટ્રો સ્ટેશન પર પ્રવાસ કરનાર પ્રવાસીઓને નાતાલની ભેટ આપી છે. એમઆરવીસી દ્વારા મધ્ય રેલવેના ઘાટકોપરના રેલવે અને મેટ્રો બંને સ્ટેશનોને જોડતા એક ફૂટ ઓવર બ્રિજ (એફઓબી)નું બાંધકામ ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂરું થઈ જશે એવું જણાવવામાં આવ્યું છે.
ગયા અનેક મહિનાથી આ સ્ટેશનો વચ્ચે પ્રવાસ કરનાર મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જણાતાં અહીંના એફઓબી પર ભારે ભીડની સમસ્યા નિર્માણ થઈ રહી છે. વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો-૧ અને મધ્ય રેલવેના ઘાટકોપર સ્ટેશનો વચ્ચે રોજેરોજે હજારોની સંખ્યામાં મુસાફરો પ્રવાસ કરે છે, પણ હવે ઘાટકોપર સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવ્યું છે જેથી ભીડને ડાઈવર્ટ કરવામાં મદદ મળશે.
આ કામને લઈને એમઆરવીસીએ જણાવ્યું હતું કે અહીં ઘાટકોપર રેલવે અને મેટ્રો સ્ટેશનને જોડવા માટે ૧૨ મીટર પહોળો અને ૭૫ મીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ શહેરના પૂર્વ અને પશ્ર્ચિમ ભાગને જોડવાનું કામ કરશે. તેમ જ આ બ્રિજ પર ઘાટકોપર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક, બે, ત્રણ અને ચારને જોડવા માટે ત્રણ મીટર લાંબા દાદરા પણ રાખવામા આવશે.
આ એફઓબી પર પ્લેરફોર્મ નંબર બે, ત્રણ અને ચાર પર એસ્કેલેટરની પણ સુવિધા હશે. આ કામનો પહેલો તબ્બકો ૨૫ ડિસમ્બર સુધી પૂરો થતાં એસ્કેલેટરની સેવાઓ શરૂ કરવામાં આવશે. મેટ્રોના પ્રવાસીઓ માટે પણ હાલના બ્રિજને એફઓબીના બ્રિજ સાથે જોડવા એલિવટેડ ડેક પણ બંધવામાં આવશે. આ એલિવટેડ ડેકને લીધે આ બંને બ્રિજ વચ્ચે પ્રવાસ સરળ બનશે. આ ડેક પર ટિકિટ કાઉન્ટર, ફૂડ સ્ટોલ અને દુકાનો પણ હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઘાટકોપર મેટ્રો સ્ટેશન નજીક એક ટિકિટ બારી પણ હતી પણ હવે ત્યાં એટીવીએમ મશીનો બેસાડવામાં આવ્યા છે. આ વધુના બાંધકામ માટે કામના પહેલા તબક્કા અંદાજે ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જ્યારે આ પ્રોજેકટનો એકંદર ખર્ચ ૬૦થી ૭૦ કરોડ જેટલો રાખવામા આવ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કામ પૂર્ણ થતાં પિક અવર્સમાં લોકોની મુસાફરી વધુ સરળ બનશે. ઘાટકોપર રેલવે સ્ટેશનથી મેટ્રો સ્ટેશન જવા માટે પ્રવાસીઓને લાઇન લગાવવી પડે છે. પણ હવે તે સમસ્યા દૂર થશે.