બોમ્બે હાઈ કોર્ટે આ બાબતે સરકાર પાસે માગ્યો ખુલાસો
મુંબઈ: પાટનગર દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી છે ત્યારે મુંબઈમાં હવાની કથળી રહેલી ગુણવત્તાનો મુદ્દો બોમ્બે હાઈ કોર્ટે સ્વઅધિકારે હાથમાં લઈ શહેરની હવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ આરિફ ડોક્ટરની ખંડપીઠે આ મામલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે ખુલાસો માગ્યો છે.
મુંબઈમાં કથળી રહેલી હવાની ગુણવત્તાના મામલે ત્રણ શહેરીજનોએ ઉઠાવેલા પ્રશ્નની જાહેર હિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી અદાલતમાં થઈ રહી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શહેરમાં દરેક ઠેકાણે હવાની ગુણવત્તા દિવસે ને દિવસે ઝડપભેર કથળી રહી છે.
મુંબઈનો એક પણ વિસ્તાર એવો નથી જ્યાં હવાની ગુણવત્તા સારી હોય.’ અસ્તિત્વમાં છે એ કાયદા અનુસાર કયા પગલાં લેવામાં આવ્યા છે અને કયા પગલાં લેવામાં આવશે એ લાગતા વળગતા સત્તાધીશો પાસેથી જાણવાનો આગ્રહ અદાલતે રાખ્યો છે. હવે પછી સુનાવણી છ નવેમ્બરે થશે એવી સ્પષ્ટતા અદાલત દ્વારા કરવામાં આવી હતી.