આમચી મુંબઈ

૩૦ વર્ષ પછી અમલમાં મૂકેલા આદેશને બોમ્બે હાઈ કોર્ટે રદ કર્યો

મુંબઈ: વિદેશી ચલણના ગેરકાયદે વ્યવહારમાં સંડોવણીની શંકા હેઠળ ૬૨ વર્ષના પુરુષ સામે ૧૯૯૩માં આપવામાં આવેલો અટકાયતનો આદેશ અને ૨૦૨૩માં એ માન્ય રાખી એને જારી કરવાના કેન્દ્રના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે રદ કર્યો હતો. ૩૦ વર્ષ પછી આદેશના અમલની યોગ્યતા સાબિત કરવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોવાનું હાઈકોર્ટે બુધવારે જણાવ્યું હતું. ક્ધઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રીવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ (કોફેપોસા)ની જોગવાઈઓ હેઠળ અબ્દુલ રશીદની ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ અટક કરવામાં આવી હતી. અબ્દુલ રશીદે ૧૯૯૩ અને ૨૦૨૩ના આદેશને પડકારી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ન્યાયમૂર્તિ રેવતી મોહિત દરે અને ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેએ બુધવારે બંને આદેશ રદ કરી જણાવ્યું હતું કે ૧૯૯૩માં આપવામાં આવેલા અટકાયતના આદેશના અમલની યોગ્યતા સાબિત નથી થઈ શકી. ખંડપીઠે રશીદને તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં જવા માગતી હોવાથી હાઈકોર્ટે બે અઠવાડિયા માટે પોતાના આદેશ પર જ સ્ટે આપ્યો હતો. આદેશમાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે મુંબઈના ઉપલબ્ધ સરનામાની જગ્યાની મુલાકાત લેવા સિવાય અરજદારની ભાળ મેળવવાના કોઈ પ્રયત્ન નહોતા થયા કે પૂછપરછ પણ નહોતી કરવામાં આવી. ૩૦ વર્ષનો વિલંબ અરજદારની અટકાયતનું સમર્થન નથી કરતો. આ ૩૦ વર્ષ દરમિયાન અરજદારની કોઈ સંડોવણી વાંધાજનક પ્રવૃત્તિમાં નજરે નથી પડી. આમ અટકાયતના આદેશની યોગ્યતા સિદ્ધ નથી થતી.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button