મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાંથી આવ્યા સૌથી મોટા સમાચાર
ભારત રત્નથી નવાજિત આ ક્રિકેટરને મળશે વધુ એક સન્માન

મુંબઇઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ બનીને તૈયાર છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમના સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે આ પ્રતિમા સ્થાપિત કરી છે. આ પ્રતિમા સચિનના જીવનના 50 વર્ષ માટે સમર્પિત છે. સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
ભારત-શ્રી લંકાની વર્લ્ડકપ 2023ની મેચ અગાઉ 50 વર્ષીય તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. 15,821 ટેસ્ટ રન અને 18,426 વન-ડે રન કરનાર ‘ભારત રત્ન’ સચિન તેંડુલકર પોતે અનાવરણ સમારોહમાં હાજર રહેશે. ભવ્ય સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મુખ્ય અતિથિ હશે, જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અતિથિ વિશેષ હશે.
આ પ્રસંગે બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ અને બીસીસીઆઇના ટ્રેઝરર આશિષ શેલાર હાજર રહેશે. એમસીએના પ્રમુખ અમોલ કાલેએ આ વિચારની શરૂઆત કરી અને આ રમતમાં જોયેલા મહાન ક્રિકેટરોમાંના એકને યોગ્ય સન્માન આપવાનું નક્કી કર્યું હતું.
આ સમારોહમાં ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો હાજરી આપે તેવી શક્યતા છે. સચિન તેંડુલકરની 22 ફૂટની પ્રતિમા પ્રખ્યાત શિલ્પકાર પ્રમોદ કાલે દ્વારા બનાવવામાં આવી છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સચિવ અજિંક્ય નાઈકે કહ્યું હતું કે સચિન દરેક ઉભરતા ક્રિકેટર માટે પ્રેરણા છે.
અમે સચિનના 50મા જન્મદિવસના અવસર પર દેશ અને દુનિયાભરના તેના પ્રશંસકો માટે કંઈક કરવા માંગતા હતા. આ પ્રતિમા ભવિષ્યની ક્રિકેટ પેઢીઓને પ્રેરણા આપશે અને સચિન અને મુંબઈ ક્રિકેટના વારસાને આગળ વધારશે.
તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમતને વિદાય આપી, જ્યાં એક સ્ટેન્ડનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું છે. જમણા હાથના બેટ્સમેને બે દાયકાથી વધુ સમયની શાનદાર કારકિર્દી બાદ નવેમ્બર 2013માં વાનખેડે ખાતે તેની 200મી અને છેલ્લી ટેસ્ટ રમી હતી.